સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

સૌરાષ્ટ્રના ઘણા પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

પાક નુકસાનીને લઇ ખેડૂતોની હાલત કફોડી : માળીયાહાટી સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો માર્કેટ યાર્ડમાં મગફળી સહિત પાકનો જથ્થો પલળી ગયો

અમદાવાદ, તા.૪ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે રાજ્યમાં હજુ બે દિવસ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથક સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે સૌરાષ્ટ્રના માળિયાહાટીના સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે આ પંથકોમાં પાકની નુકસાનીને લઇ ખેડૂતોની હાલત ભારે કફોડી બની હતી. સૌરાષ્ટ્માં ગઇકાલે પણ જૂનાગઢના કેશોદ, માળિયાહાટીના, કુતિયાણા સહિતના પંથકોમાં એક થી બે ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે પણ માળિયાહાટીના પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી વહેતા થઇ ગયા હતા. કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ કર્યા બાદ હવે કમોસમી વરસાદથી જીરા, ચણા અને ઘઉંના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

              જેથી ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે. ખાસ કરીને પાકની નુકસાનીને લઇ ખેડૂતોની હાલત કફોડી બની છે. બીજીબાજુ, સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં હાલ મગફળી અને કપાસની બમ્પર આવક થઇ રહી છે. ત્યારે કેટલાય માર્કેટ યાર્ડમાં એવી કોઇ વ્યવસ્થા પણ નથી હોતી કે અચાનક કમોસમી વરસાદ પડે અને પાકને ઢાંકી શકાય. જેના કારણે માર્કેટયાર્ડમાં મગફળી, કપાસ, ઘઉં સહિતના પાકનો જથ્થો વરસાદમાં પલળી ગયો હતો, જેને લઇ ખેડૂતોને પડતા પર પાટુનો માર વાગ્યો હતો. ખેડૂતોની સાથે સાથે માર્કેટયાર્ડનાવેપારીઓ પણ કમોસમી વરસાદથી ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રમાં સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. બાદમાં તડકો અને બપોર બાદ અમુક વિસ્તારોમાં વાદળો છવાયા હતા અને જોતજોતામાં ભારે વરસાદ તૂટી પડયો હતો. શિયાળામાં ચોમાસાનો માહોલ સર્જાતાં સૌરાષ્ટ્રવાસીઓ ડબલ ઋતુનો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ ગુજરાતના જુદા જુદા ભાગોમાં ઠંડીમાં પણ વધારો થઇ રહ્યો છે. વરસાદના કારણે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. અલબત્ત લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૯.૪ અને નલિયામાં ૧૬ ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં ડિસામાં લઘુત્તમ તાપમાન ૧૫.૪ ડિગ્રી નોંધાયું હતું. આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી નથી.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૪ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન લગભગ યથાવત રહ્યું છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૧૯.૪

ડિસા............................................................ ૧૫.૪

ગાંધીનગર................................................... ૧૮.૮

વડોદરા.......................................................... ૨૦

સુરત........................................................... ૨૪.૪

વલસાડ....................................................... ૨૧.૬

ભાવનગર....................................................... ૨૩

પોરબંદર..................................................... ૨૧.૮

રાજકોટ........................................................... ૨૦

સુરેન્દ્રનગર.................................................. ૧૯.૪

મહુવા............................................................. ૨૨

ભુજ............................................................. ૧૭.૯

નલિયા............................................................ ૧૬

કંડલા એરપોર્ટ............................................. ૧૮.૬

(10:18 pm IST)