સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ધારી ગીર પૂર્વના વિસ્‍તારમાં ૨ સિંહને કારચાલકે પાછળ વાહન ચલાવીને પરેશાન કર્યાઃ સોશ્યલ મીડિયામાં વીડિયો શેર કર્યો

અમરેલીઃ રાજ્યની ઓળખ એવા એશિયાટિક સિંહને પજવણી કરવાની ઘટનાઓ અવાર-નવાર આવતી રહે છે. આજે મંગળવારે ફરી આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સડક પરથી પસાર થઈ રહેલા બે સિંહને પરેશાન કરવામાં આવી રહ્યા છે. સિંહોથી માત્ર 5થી 10 ફૂટના અંતરે તેમની પાછળ કાર દોડાવામાં આવી છે.

ધારી ગીર પૂર્વના વીરપુરથી ગઢીયા વચ્ચેનો આ વીડિયો હોવાનું અનુમાન છે. દિવસ દરમિયાને બે સિંહ જ્યારે સડક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કારચાલકે તેમની પાછળ વાહન ચલાવીને તેમને પરેશાન કર્યા હતા. આટલું જ નહીં કારચાલકે તેમનો વીડિયો પણ ઉતાર્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયોમાં દેખાય છે તે મુજબ, સફેદ કલરની કારમાં બેસેલી એક વ્યક્તિ મોબાઈલમાં વીડિયો ઉતારી રહી છે. કારચાલક એક્સીલેટર દબાવીને વાહનનો અવાજ કરીને સિંહને ડરાવાનો પ્રયાસ કરે છે. કારમાં ત્રણથી ચાર વ્યક્તિ બેઠી હોય અને વાતો કરતા હોય એવો અવાજ આવી રહ્યો છે.

વન વિભાગના ધ્યાનમાં આ વીડિયો આવ્યા પછી વાહનચાલકને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગીરના સિંહ હવે સ્થળાંતર કરીને ચોટીલા તરફ પહોંચ્યા હોવાના સમાચાર આવ્યા હતા. શું સિંહોની આવી રીતે અવાર-નવાર કરાતી પજવણી તેમના સ્થળાંતર પાછળ જવાબદાર છે?

(5:07 pm IST)