સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

આજથી ત્રણેક દિવસ સૌરાષ્ટ્ર - કચ્છમાં છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડશે

ઠંડીનો અહેસાસ નહિં થાય, પવનનું જોર રહેશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૪ : રાજયમાં હજુ શિયાળો જામ્યો નથી, વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જયારે દિવસ દરમિયાન બફારો અને ગરમીનો વર્તારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલાં લો પ્રેશરને કારણે આજથી ત્રણેક દિવસ કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય રાજયનાં કેટલાક ભાગોમાં ઠંડા પવનો પણ ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્યિમ અને દક્ષિણ પૂર્વ લો પ્રેશર સક્રિય થયા છે. જેમાંથી દક્ષિણ પૂર્વમાં સર્જાયેલાં લો પ્રેશરની અસર ગુજરાતને વર્તાશે. જેથી રાજયનાં સૌરાષ્ટ્ર સહિતનાં કેટલાક ભાગોમાં હળવો વરસદા પડી શકે છે. આજે અને આવતીકાલે સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં કેટલાક વિસ્તારોમાં કમોસમી ઝાપટા પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરનાં તાપમાનમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી. ઉલ્ટાનું લઘુત્ત્।મ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો છે. પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમને લીધે આજે લોકોને સામાન્ય કરતાં વધુ ઠંડીનો અહેસાસ થયો હતો.

(1:03 pm IST)