સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

તરઘડી પાસે અકસ્માતમાં ધ્રોલના મોટા વાગુદડના બે ક્ષત્રીય આશાસ્પદ યુવકોના મોતથી અરેરાટી

શકિતસિંહ જીલુભા જાડેજા (ઉ.વ.ર૪) અને લક્કીરાજસિંહ સહદેવસિંહ ઝાલા રાજકોટથી પરીક્ષા આપી પરત ફરતા'તાને કાળ ભેટી ગયો : મામાને ત્યાં રહેતા લક્કીરાજસિંહના ટુંક સમયમાં લગ્ન હતા : ગામમાં શોકનું મોજુ

રાજકોટ, તા., ૪: રાજકોટની ભાગોળે જામનગર હાઇવે પર આવેલા તરઘડી પાસે બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં  ધ્રોલના મોટા વાગુદળ ગામના બે આશાસ્પદ  ક્ષત્રીય યુવકોના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોલના મોટા વાગુદળ ગામે રહેતા શકિતસિંહ જીલુભા જાડેજા (ઉ.વ.ર૪) તથા લક્કીરાજસિંહ સહદેવસિંહ ઝાલા (ઉ.વ.ર૦) ગઇકાલે બાઇક નં. જીજે૧૦ એબી-૯૩પ૦  ઉપર રાજકોટથી વાગુદળ જઇરહયા હતા ત્યારે તરઘડી પાસે અચાનક જ ટ્રકે વળાંક લેતા પાછળ આવી રહેલ બાઇક ટ્રકમાં ઘુસી  જતા બંન્ને યુવકોને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.  બનાવની જાણ થતા પડધરીના પીએસઆઇ વાઢીયા તથા રાઇટર યુવરાજસિંહ ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

દરમિયાન આ અકસ્માતની જાણ થતા બંન્ને મૃતક યુવકોના પરીવારજનો તેમજ ગામના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગામના અગ્રણી રાજભા જાડેજાના જણાવ્યા મુજબ લક્કીરાજસિંહ ઝાલાના મમ્મીનું અવસાન થતા તેઓ નાનપણથી જ મામાને ત્યાં મોટા વાગુદળ ગામે રહેતા હતા અને અભ્યાસ કરતા હતા અને બે ભાઇઓ છે.જયારે શકિતસિંહ બે ભાઇઓમાં નાના છે અને મોટાભાઇ તલાટી મંત્રી છે. બંન્ને યુવકના પિતા ખેતી કામ કરે છે. લકકીરાજસિંહના ટુંક સમયમાં લગ્ન હતા.

અકસ્માતમાં મૃત્યુ પામેલ શકિતસિંહ જાડેજાની મોટા વાગુદળ ગામે તેમજ લક્કીરાજસિંહની ડુમાળા ખાતે અંતિમવિધિ કરાઇ હતી.

મોટા વાગુદળ ગામના આશાસ્પદ બંન્ને યુવકોના મોતથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુંછે.

(12:51 pm IST)