સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

જોડિયાધામમાં પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં ૩ દિવસીય ગીતા જયંતિ મહોત્સવ

સંતો મહંતો સાથે સત્સંગ : ગીતા સંદેશ પ્રવચન : સામુહીક હોમાત્મક પાઠ અને અનુષ્ઠાન

વાંકાનેર તા.૪ : જોડીયાધામમાં સુપ્રસિધ્ધ શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ પ.પુ.શ્રી વિરાગમુનીજી સ્થાપિત શ્રી ગીતા વિદ્યાલયમાં તા. ૬ થી તા.૮ સુધી ૩ દિવસ સુધી પ.પુ.શ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં ૪૫માં ગીતાજયંતી મહોત્સવનું આયોજન શ્રી ગીતા વિદ્યાલય પરિવાર જોડીયાધામ દ્વારા કરવામાં આવેલ છે.

છેલ્લા ૪૪ વર્ષથી ગીતા વિદ્યાલયમાં ગીતાજયંતી મહોત્સવનું સુંદર આયોજન પ.પુ.શ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં થાય છે. આ ત્રિદિવસીય ગીતા જયંતિના ધાર્મિક મહોત્સવ પાવન પ્રસંગે પૂ. સંતો પૂ. કથાકારો દ્વારા તા. ૬ શુક્રવારના સાંજે ૪ થી ૭ પ્રવચન સત્સંગ કરાશે તેમજ તા. ૯મીએ શનિવારે સવારે ૮ થી ૧૨ સત્સંગ થશે. શનિવારે શ્રી ગીતા જયંતીની પૂર્વ સંધ્યાએ રાત્રે ૯ વાગ્યે ભજન સંધ્યા રાખેલ છે. આ ઉપરાંત તા. ૮ મીએ રવિવારના શ્રી ગીતા જયંતી યુગપર્વ દિને પ.પુ.શ્રી મોરારીબાપુ દ્વારા સવારે ૯-૩૦ વાગ્યાથી ગીતા સંદેશ પ્રવચન આપવામાં આવશે. શ્રી ગીતાજયંતી મહોત્સવ દરમિયાન એવમ વિશ્વ કલ્યાણ અર્થે શ્રી ગીતા વિદ્યાલયના બાળકો તેમજ ભાવિકો સાધકો દ્વારા સામુહીક હોમાત્મક પાઠ અનુષ્ઠાન કરવામાં આવશે.

ગીતાજયંતીના પાવન પુણ્યશાળી પર્વમાં સર્વે ભાવિક ભકતજનોને પધારવા પૂ.શ્રી વિરાગમુનીજી સ્થાપિત રામકૃષ્ણ સાધના ટ્રસ્ટના અધ્યક્ષ યોગેશભાઇ શાસ્ત્રીજી તથા શ્રી ગીતા વિદ્યાલય પરિવાર જોડીયાધામ દ્વારા નિમંત્રણ અપાયુ છે. તેમ ગીતા વિદ્યાલય પરિવારના વિનુભાઇ ચંદારાણા વિનાભાઇ કાનાણીએ જણાવેલ છે.

(11:57 am IST)