સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

જુનાગઢ કોર્ટ દ્વારા પતિ-પત્નિ વચ્ચેના વિવાદમાં પતિની છૂટાછેડાની અરજી રદ

જુનાગઢ તા.૪: વર્તમાન સમયમાં સમાજમાં લગ્ન વિચ્છેદ-છુટાછેડા લેવાનું પ્રમાણ અકારણ તથા સકારણ સહજ અને પ્રચલીત બનતુ જાય છે. કોર્ટમાં આવા કેસોની સંખ્ય દિન પ્રતિદિન વધતી જાય છે.

આવી જ રીતે મેંદરડાના કૌશીક મનસુખભાઇ મહેતાના લગ્ન પોરબંદરના કિરણબેન લીલાધરભાઇ સાથે થયેલા. આ લગ્નજીવનથી એક પુત્ર 'દક્ષ'નો જન્મ થયેલ. પુત્ર દક્ષના જન્મ બાદ પતિ દ્વારા દક્ષ'નો કબજો રાખી કીરણબેનને તરછોડી દેવાયેલ. ત્યારબાદ પતિ કૌશીક દ્વારા જૂનાગઢની કોર્ટમાં તેના પત્નિ વિરૂધ્ધ હિન્દુ મેરેજ એકટની કલમ '૧૩ મુજબ એવા પ્રકારનો દાવો કરીને છુટાછેડાની માંગણી કરેલ કે, કીરણબેન શારિરીક અવસ્થા એવી છે કે, તેણીને મણકાની જોઇન્ટ રીપ્લેસમેન્ટની બીમારી છે. બેસી શકતી નથી, હલનચલન કરી શકતી નથી .દૈનીક કિયા કરી શકતી નથી. સગીર પુત્રને સાચવી શકે તેમ નથી. આ બીમારીથી ભવિષ્યમાં સારૂ થાય તેમ નથી. અતિશ્યોકિત ભર્યુ વર્ણન કરી સમર્થનમાં ઘણી મેડીકલ દસ્તાવેજો રજૂ કરેલ.

જયારે કીરણબેન તરફે તેમના વકીલ ઉદય ડી.રૂપારેલીયા દ્વારા તેણીને માત્ર સાથળના ગોળાને ઘસારો હોવાનંુ અને તેનું પણ રીપ્લેસમેન્ટનું રાજકોટ ઓપરેશન કરાવેલ હોવાનો પુરાવો રજુ કરેલ. પતિ અન્ય જગ્યાએ લગ્ન કરવા માંગતા હોય, ખોટી રજુઆતો કરી છુટાછેડા મેળવવા માંગે છે, તેવો પુરાવો કીરણબેને આપેલ.

જૂનાગઢના સીવીલ જજ શ્રી સી.વી.રાણાની કોર્ટમાં બન્ને પક્ષકારો દ્વારા પુરાવાઓ તથા દસ્તાવેજો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજુ કરીને લંબાણ પૂર્વક દલીલો રજુ થયેલ. કોર્ટ દ્વારા મેડીકલ સર્ટીફીકેટો તથા પુરાવાને ઉડાણપૂર્વક ધ્યાને લેવામાં આવેલ. પતિ કૌશીકભાઇ મહેતાએ ઉભો કરેલ કેસ કોર્ટે ફગાવી તેની છુટાછેડાની અરજી રદ કરેલ.

કીરણબેનનના બચાવમાં જૂનાગઢના ધારાશાસ્ત્રી એડવોકેટ ઉદય ડી.રૂપારેલીયા, ડી.ડી.રૂપારેલીયા, તથા પંકજ ગેવરીયા રોકાયેલ હતા.

(11:56 am IST)