સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ઉના પંથકની બાળાને કુંવારી માતા કોણે બનાવી?...તપાસ માટે ઉના પોલીસ રાજકોટ પહોંચીઃ બાળા હજુ બેભાન

ભોગ બનનારના માતા અને પરિવારજનોનું કંઇ જાણતા નહિ હોવાનું રટણઃ સગીરા ભાનમાં આવે તેની રાહ જોતી પોલીસ

રાજકોટ તા.૪: ઉના પંથકમાં ૧૬ વર્ષની એક બાળાએ રાજકોટમાં બાળકીને જન્મ આપતાં ચકચાર જાગી છે. આ બાળા કોઇના દૂષ્કર્મ થકી કુંવારી માતા બની કે કોઇ પરિચીતે જાળમાં ફસાવી? તે અંગે રહસ્ય સર્જાયું છે. બાળાને તાવ-આંચકીની બિમારી સબબ ઉના હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાતાં ત્યાંથી અન્ય હોસ્પિટલમાં લઇ જવાનું કહેવાતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ પરમ દિવસે મોડી રાતે આ સગીરાએ દિકરીને જન્મ આપ્યો હતો...આ કારણે તેણીના પરિવારજનો ચોંકી ગયા હતાં. કુંવારી માતા બનેલી સગીરાની તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉના પોલીસ તેની પાસેથી માહિતી મેળવવા રાજકોટ પહોંચી છે. પરંતુ બાળા બેભાન હોઇ કોઇ માહિતી જાણી શકાઇ નથી.

સગીરાને તાવ-આંચકીની સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઇ જવાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ મેડીસર્જ હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવી હતી. અહિ તબિબી તપાસ દરિમયાન બાળકી પુરા માસે સગર્ભા હોવાનું ખુલ્યુ હતું અને ગર્ભવતિ સગીરાએ હોસ્પિટલમાં પ્રસૃતિ દરમિયાન બાળકીને જન્મ આપ્યો હતો. એ પછી આ સગીરાની હાલત બગડતાં તેણીને ગઇકાલે સાંજે ખાનગી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ઉના પોલીસને જાણ કરી હતી. તેમજ માલવીયાનગર પોલીસમાં એન્ટ્રી નોંધાવી હતી. પીએસઆઇ પાંડાવદરા અને રાઇટર પ્રશાંતસિંહે એન્ટ્રીને આધારે સગીરાના માતાનું નિવેદન નોંધવા કાર્યવાહી કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે તેને સંતાનમાં પાંચ બાળકો છે. જેમાં ચાર દિકરી અને એક દિકરો છે. ૧૬ વર્ષની દિકરીને સોમવારે સવારે તાવ આવતાં અને સાંજે પાંચેક વાગ્યે આંચકી ઉપડતાં ઉના હોસ્પિટલથી રાજકોટ લઇ જવાનું કહેવાતાં તેણીને તુર્ત જ રાજકોટ મેડીસર્જ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં રાત્રીના આ દિકરીએ પોતાની કૂખેથી દિકરીને જન્મ આપ્યાનું તબિબોએ જણાવ્યું હતું. આ બાબતે સગીરાએ ઘરમાં કોઇને કે માતાને કંઇ વિગતો જણાવી નહોતી. તેણીએ  પેટમાં દુઃખે છે એટલી જ વાત માતાને કરી હતી.

આ ઘટના દૂષ્કર્મની હોવાની પોલીસને પ્રાથમિક શંકા છે. ઉના પોલીસને જાણ કરતાં ત્યાંના પી.એસ.આઇ. અને ટીમ તપાસાર્થે આજે રાજકોટ પહોંચ્યા હતાં. જો કે સવારે પણ સગીરા બેભાન હોઇ નિવેદન નોંધી શકાયું નથી. તેના માતા સહિતના પરિવારજનો કંઇ જાણતા નહિ હોવાનું રટણ કરે છે. સગીરાને કુંવારી માતા કોણે બનાવી? એ રહસ્ય હજુ અકબંધ રહ્યું છે. તેણી ભાનમાં આવ્યા બાદ ઉના પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(11:52 am IST)