સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th November 2019

પોરબંદરમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન ફોર્મ સ્વીકારવાનું સેન્ટર ઝેરોક્ષની દુકાનમાં

ખેડૂતોમાં રોષઃ ખેડીવાડી અધિકારીની કચેરીએ કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆતો

પોરબંદર તા.૪: કમોસમી વરસાદથી પાકને નુકસાનના ફોર્મ સ્વીકારવાનું સેન્ટર ઝેરોક્ષની દુકાનમાં શરૂ કરવા સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજુઆતો કરી હતી.

કોંગ્રેસના રામદેવભાઇ મોઢવાડિયા સહિત આગેવાનોએ જણાવેલ કે એક તરફ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પત્રકાર પરિષદ ભરીને જાહેર કર્યુ કે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડુતોને તેના પાકનું નુકશાન થયું હોય તે ખેડૂતો ૭૨ કલાકમાં વિમા કંપનીના ટોલ ફિ નંબર પર જાણ કરે અથવા દરેક જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી,ખેતીવાડી અધિકારીની કચેરી અને તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી અને વિમા કંપનીની તાલુકા ઓફિસે ૭૨ કલાકમાં અરજી આપવાની રહેશે. આજે પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ અસરગ્રસ્ત ખેડુતોને સાથે રાખી જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ અરજીઓ આપવા ગયા ત્યારે જિલ્લા ખેડીવાડી અધિકારીએ આ ખેડુતોને વીમા કંપનીની ઓફિસ ખાતે અરજી આપવા જણાવ્યું આથી જિલ્લા કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા અને તમામ ખેડુતો કંપનીની ઓફિસે અરજીઓ જમા કરાવવા પહોંચ્યા ત્યારે સરકાર અને વિમા કંપનીઓની સાંઠસાંઠ સામે આવી હતી.

પોરબંદર તાલુકાના ખેડુતો પાસેથી વિમાનું પ્રિમિયમ ઉઘરાવતી વિમા કંપનીની કોઇ ઓફિસ જોવા ન મળી પરંતુ આ આફિસ એક ઝેરોક્ષ નામની નાનકડી દુકાનમાં બતાવી આપવામાં આવી છે. આ ઝેરોક્ષની દુકાનમાં કંપનીનો કોઇ જવાબદાર કર્મચારી હાજર હતા નહી અને આ અરજીઓ જમા લેનાર વ્યકિતએ જણાવ્યું કે તે પોતે તો ઝેરોક્ષની દુકાનનો માલિક છે. આ દુકાનમાં જે અરજીઓ સ્વીકારવામાં આવતી હતી તેનું કોઇપણ જાતનું ઇનવર્ડ કે આઉટ વર્ડ રજીસ્ટર પણ હાજર હતું નહી. આ બાબતે રામદેવભાઇ મોઢવાડીયા અને કોંગ્રેસના આગેવાનો ફરી રજુઆત કરવા જિલ્લા ખેડીવાડી અધિકારીને રૂબરૂ મળ્યા ત્યારે કંપનીની ફેવર કરતા હોય તે રીતે ખેડુતો સાથે વર્તન કરી રહ્યા હતા. ખેડીવાડી અધિકારીશ્રીની કચેરીએ ઉગ્ર રજુઆતો કરી ખેડુતોને હેરાન પરેશાન કરનાર વિમા કંપનીની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પોરબંદર જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડુતોનું તાત્કાલિક સર્વે કરી વળતર ચુકવવા માગણી કરી હતી.

(12:02 pm IST)