સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

ટ્રેલર અને પિકઅપ વાનની વચ્ચે અકસ્માત : ૪ના મોત

ત્રણ મહિલા સહિત ચારના મોતને લઇ અરેરાટી : મૃતકો એક પરિવારના હોવાનું સામે આવ્યું : ટ્રેલર સાથેના અકસ્માત બાદ પિકઅપ વાહનના અડધા હિસ્સાનો ભુક્કો

અમદાવાદ, તા.૪ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મથલ ગામ પાસે આજે બપોરે એક મોટા ટ્રેલર અને પિકઅપ વાન વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યકિતના કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ અને એક પુરૂષના ઘટના સ્થળે જ મોત થયા નીપજયા હતા. એકસાથે ચાર વ્યકિતના મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવની જાણ થતાં નખત્રાણા પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

   આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મથલ ગામ નજીક ટોડિયા ફાટક પાસે એક મોટા ટ્રેલર અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પિકઅપ વાનમાં એક પરિવાર કચ્છના આશાપુરા માતાના મઢના દર્શને જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મહિલા અને એક પુરૂષ મળી કુલ ચાર જણાંના ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજયા હતા. પિકઅપ વાનમાં છ લોકો સવાર હોવાની વાત પોલીસ તપાસમાં સામે આવી હતી. ટ્રેલર સાથેના અકસ્માત બાદ પિકઅપ વાનનો અડધા હિસ્સાનો ભુક્કો નીકળી ગયો હતો અને તેટલો ભાગ જાણે કપાઇ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં ચાર લોકોના મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. 

             મૃતકોમાં શંભુભાઈ પરમાર(ઉ.વ.૨૦), રામુબેન પરમાર(ઉ.વ. ૪૦), જ્યોતિબેન પરમાર(ઉ.વ.૨૦) અને હીરુબેન પરમાર(ઉ.વ.૩૫)નો સમાવેશ થાય છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને ૧૦૮ મારફતે નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. નખત્રાણાના ટોડીયા ફાટકથી થોડેક દૂર માતાના મઢ તરફ જતા રોડ પર આજે બપોરે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના સ્થળ પર જ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇહતી. હતભાગીઓ ભુજની રામનગરીમાં મેલડી માતાના મંદિર પાસે રહેતા એક જ પરિવારના સભ્ય હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. આ ગમખ્વાર અકસ્માતના કારણે હાઇવે પર થોડી વાર માટે ટ્રાફિક પણ ચક્કાજામ થઇ ગયો હતો. ભીષણ માર્ગ અકસ્માતના કારણે લોકોમાં ઉતેજના ફેલાઈ ગઈ હતી. ભારે જહેમત બાત પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની  ઓળખ કરી લીધી હતી. જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષની ઓળખ થઈ હતી. હાલમાં ગુજરાતમાં કેટલાક પ્રચંડ અકસ્માતો થયા છે. હાલમાં જ અંબાજી નજીક ભીષણ અકસ્માત થયો હતો જેમાં ૨૧થી વધુ શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા હતા. અકસ્માતોને રોકવાના પગલા બિનઅસરકારક બન્યા છે.

મૃત્યુ પામેલાની યાદી

અમદાવાદ, તા. ૪ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મથલ ગામ પાસે આજે બપોરે એક મોટા ટ્રેલર અને પિકઅપ વાન વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યકિતના કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત થઈ ગયા હતા. જ્યારે એક યુવાનનું મોત થયું હતું. ભીષણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાની યાદી નીચે મુજબ છે.

*   શંભુભાઈ પરમાર (ઉંમર વર્ષ ૨૦)

*   રામુબેન  પરમાર (ઉંમર વર્ષ ૪૦)

*   જ્યોતિબેન પરમાર (ઉંમર વર્ષ ૨૦)

*   હિરુબેન  પરમાર (ઉંમર વર્ષ ૩૫)

(8:50 pm IST)