સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

ધ્રોલના લતીપર ગોકુલપુરના ગોવિંદભાઇ પટેલનું બોલેરોની ઠોકરે ચડી જતાં મોત

રાજકોટથી કામ પતાવી બાઇક હંકારી ખામટાના પાટીયે પહોંચ્યા ત્યારે રોંગ સાઇડમાં આવેલી બોલેરોએ ઉલાળી દીધાઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૪: પડધરીના ખામટાના પાટીયા પાસે રોંગ સાઇડમાં આવેલી બોલેરોના ચાલકે બાઇકને ઉલાળી દેતાં બાઇક ચાલક ધ્રોલના લતીપુર ગોકુલપુરના લેઉવા પટેલ ખેડુત વૃધ્ધનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ લીતીપુર ગોકુલપુરમાં રહેતાં ગોવિંદભાઇ હંસરાજભાઇ તાલપરા (ઉ.૬૦) ગઇકાલે બપોરે કામ સબબ બાઇક હંકારી રાજકોટ આવ્યા હતાં. સાડા ત્રણેક વાગ્યે પરત પોતાના ગામ જઇ રહ્યા હતાં ત્યારે ખામટાના પાટીયા પાસે જામનગર રોડ તરફથી બોલેરો રોંગ સાઇડમાં આવતાં તેની ઠોકરે ચડી જતાં ફંગોળાઇ ગયા હતાં.

ગોવિંદભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર ગોવિંદભાઇ સાત ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી પડધરી પોલીસને જાણ કરી હતી.

(12:11 pm IST)