સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

ટંકારા ત્રણ હાટડી ચોકની નવદુર્ગા ગરબીમાં પચાસ વર્ષથી મુસ્લિમ બિરાદર દ્વારા પ્રસાદી

ટંકારા તા. ૪: ત્રણ હાટડી ચોક, નવદુર્ગા ગરબી મંડળમાં છેલ્લા પચાસ વર્ષથી મુસ્લીમ બિરાદર દ્વારા પ્રથમ નોરતે માતાજીને પ્રસાદી ધરાવાય છે.

ત્રણ હાટડી ચોકમાં રામજી મંદિર આવેલ છે. આજથી પચાસ-સાંઇઠ વર્ષ પહેલા તે ચોકમાં ત્રણ હાટડી (દુકાનો) હતી. તેથી આ વિસ્તારની શેરીનું નામ ત્રણ હાટડી શેરી અને ત્રણ હાટડી ચોક બનેલ.

આજથી પચાસ-પંચાવન વર્ષ પહેલા આ ત્રણ હાટડી ચોકમાં મુસ્લિમ બિરાદર સંધી અબુભાઇ આમદભાઇની અનાજ કરીયાણાની નાનકડી હાટડી હતી.

અબુભાઇ દ્વારા ત્યારે દર વર્ષે નવદુર્ગા ગરબી મંડળમાં માતાજીને પ્રથમ નોરતે પ્રસાદી ધરવામાં આવતી હતી.

અબુભાઇએ ત્રણ હાટડી ચોકમાંથી દુકાન બંધ કર્યાને ત્રીસેક વર્ષ થયા હશે. પરંતુ તેઓએ પ્રથમ નોરતે માતાજીને પ્રસાદ ધરવાનું ચાલું રાખેલ છે.

અબુભાઇ આમદભાઇ માતાજીને પ્રસાદ ધરવાનું પચાસમું વર્ષ છે. તેમણે પચાસ વર્ષ પુરા થયા નિમિતે ગરબી મંડળમાં ચવાણું પેંડા ખવરાવેલ.

અબુભાઇ આમદભાઇ હાલમાં જૈફ વયના છે. તેમણે જણાવેલ કે હું મારા સંતાનોને પણ માતાજીને પ્રસાદી પ્રથમ નોરતે ધરાવવાનું મારા મૃત્યુ પછી પણ ચાલું રાખે તેમ જણાવતો જઇશ.

ટંકારા કોમી એકતાનું અદ્દભૂત ઉદાહરણ બનેલ છે.

(12:06 pm IST)