સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

દેશ દેવીમાં આશાપુરા માતાના મઢ કચ્છ ખાતે આવતીકાલે ભવ્ય હોમાદિક ક્રિયા

તા.૬ને રવિવારે કચ્છ રાજવી પરિવાર માં આશાપુરાને સવારે જાતર(પતરી) ચડાવશેઃ હજારોની સંખ્યામાં લોકોએ અત્યાર સુધીમાં આશાપુરાના દર્શનનો લાભ લીધો

રાજકોટ તા. ૪ : ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આશાપુરાનું ૧૯મી સદીનુ ભવ્ય તીર્થધર્મ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત-મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાઇકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ચરણ સ્પર્શ કરવા આવે છે. ભારતની ૧૦૮ શકિત પીઠોમાં માતાના મઢની ગણના થાય છે. માં આશાપુરનું મંદિર ઉપર બાવન ગજની ધજા છે નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદિર પ૮ ફુટ લાંબુ અને ૩ર ફુટ પહોળુ છે. માં આશાપુરા વિશાળ કદની ૬ ફુટની મૂર્તિ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માંની માનેલ માનતા અને શ્રદ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. આસો સુદ-૭ શનિવાર, તા.પ ના રાત્રીના ૮ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગોર મહારાજશ્રી દેવકૃષ્ણ મુળશંકર જોષી તેમજ આમંત્રીત મહેમાનો માઇ ભકતોની ઉપસ્થિતમાં હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોથી હોમાદિક ક્રિયામાં આફતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ શ્લોક સંક્રાતિપાઠ, માંના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મધ્યરાત્રિએ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રીના ૧ર-૩૦ કલાકે શ્રીફળ હોમશે. સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે. તા.૬ને રવિવાર આસો સુદ આઠમના કચ્છ રાજાશ્રી પ્રાગમલજી ત્રીજા સવારે ૮ કલાકે રાજવી પરિવાર તથા આમંત્રિત મહેમાનો, માઇ ભકતોની ઉપસ્થિતમાં માં આશાપુરાને જાતર(પતરી) ચડાવશે. કચ્છ રાજવી ચાચરા કુંડથી સામૈયા સાથે સવારી આવે છે ત્યારે શરણાઇવાદક આમદ ઓસમાણ લંગા, નોબતવાદક લતીફ હાસમ લંગા, જાગરીયા ડાક મુસ્લિમ પરિવાર દ્વારા વિધિ કરવામાં આવે છે. આ સમયે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. માં આશાપુરા મંદિરમાં ભુવાશ્રી દિલુભા ભગુભા ચૌહાણ માતાજીને ધુપ સેવાપુજા કરે છે. માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદર હનુમાનજી, ગણેશજી શંકર-પાર્વતી ખેતરપાળ દાદા તેમજ ચાચર કુંડ પાસે માં ચાચર ભવાની માતાજીનું મંદિર આવેલ છે માં આશાપુરા મંદિર પાસે માં હિંગળાજ માંનુ ભવ્ય મંદિર આવેલ છે ત્યાં પ્રકાશભાઇ છોટાલાલ પંડયા છેલ્લા ત્રણ પેઢીથી માતાજીની આરતી તેમજ સેવાપુજા કરે છ.ે  આરતીનો સમય સવારના પ કલાકે મંગળા આરતી સવારે ૯ કલાકે ધુપ, આરતી, તેમજ સુર્યાસ્ત સમય મુજબ સંધ્યા આરતી થાય છે. નવરાત્રી દરમ્યાન દર્શનનો સમય સવારે પ વાગ્યાથી રાત્રીના ૧ર વાગ્યા સુધી તથા તા.પ-/૧૦/ર૦૧૯ શનિવાર આસોસુદ-૭ હવનની આખી રાત મંદિર ખુલ્લુ રહેશે. તા.૬/૧૦/ર૦૧૯ રવિવાર આસોસુદ-૮ સવારના પ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી દર્શનનો સમય રાખવામાં આવેલ છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને વિનામુલ્યે જમવા તથા રહેવાની સગવડ પુરી પાડવામાં આવે છે. નવરાત્રી સમય દરમ્યાન દરેક ભાવિકો માતાજીના દર્શન શાંતિથી થાય તેવી વ્યવસ્થા સ્થાનિક ભાવિકો માતાના મઢના ટ્રસ્ટીઓ, કર્મચારીગણ અને સેવકો દર્શનની વ્યવસ્થા સંભાળે છે. પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે.                     

  :- સંકલનઃ-

વિનોદભાઇ આર.પોપટ

(મો.નં. ૯૯૭૯૯-૦૭ર૮૧-રાજકોટ)

(11:57 am IST)