સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

અંધશ્રદ્ધા અને શ્રદ્ધા તર્કથી સિદ્ધ થઇ શકે નહીં : રમેશભાઇ ઓઝા

પોરબંદર સાંદિપનિમાં ભાગવતધર્મ અને બાપુ વિશે ચિંતન

જુનાગઢ, તા. ૪ : પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ચાલી રહેલા પૂજય ભાઇશ્રીના ૩૮મા નવરાત્રી અનુષ્ઠાનનો તા. રજી ઓકટોબરે સવારે રામચરિત માનસ ગાનનો ક્રમ આગળ વધ્યો હતો, તો બપોરના સુત્રમાં 'ભાગવત ધર્મ અને બાપુ'એ પ્રવચન શ્રેણીમાં પ્રથમ વકતા તરીકે ગુજરાતના વિશ્વ વિખ્યાત ખગોળશાસ્ત્રી ડો. પંકજ જોશીએ ગાંધીજી અને વિજ્ઞાન એ વિષય પર અધ્યયન પૂર્ણ પ્રવચન આપ્યા પછી પૂજય ભાઇશ્રીએ પણ ધર્મ અને વિજ્ઞાન એ વિષય પરની ચર્ચા ભારતીય ધર્મ શાસ્ત્રો અને શ્રીમદ્ ભાગવતના સૂત્રોને આધારે શ્રોતાઓ સમક્ષ પ્રગટ કરી હતી.

'ભાગવત ધર્મ અને બાપુ'એ વિષયને વર્ણવતા પૂજય ભાઇશ્રીએ કહ્યું હતું કે, તાજેતરમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન અવકાશમાં મોકલ્યું તે પહેલા ધાર્મિક વિધિથી પૂજન કરતા આપણે નીહાળ્યા હતા. કેટલાકના મતે આવું કરવું એ અંધશ્રદ્ધા છે પણ અંધશ્રદ્ધા અને શ્રદ્ધા તર્કથી સિદ્ધ થઇ શકે નહીં એમ કહી ઇશ્વરનું અસ્તિત્વ નથી એવું વૈજ્ઞાનિકો નથી કહેતા પણ એમ કહે છે કે ઇશ્વર જેવી સત્યનું હોવું વિજ્ઞાનની દૃષ્ટિએ હજુ સુધી સિદ્ધ  થઇ રહ્યું નથી. માત્ર ઇશ્વર નથી એમ કહેવું એ અંધશ્રદ્ધા છે, કેમકે ઇશ્વર તર્કથી સિદ્ધ નહીં થઇ શકે કેમ કે ઇશ્વર તર્કશાસ્ત્રથી પર છે અને આસ્થાનો વિષય છે.

આપણા ધર્મશાસ્ત્રો તર્કના વિરોધી નથી શાસ્ત્રોની ગણનામાં તર્કશાસ્ત્ર એક શાસ્ત્ર છે પણ શ્રદ્ધાના વિષયમાં તર્ક સફળ થઇ શકતો નથી. જયારે વિજ્ઞાનના પાયામાં તર્ક મુખ્ય છે. જયારે ધર્મ અને અધ્યાત્મમાં શ્રદ્ધા મુખ્ય છે. ભાઇશ્રીએ તેમના પ્રવચનમાં શ્રદ્ધા વિશે ઉંડુ ચિંતન વ્યકત કર્યું હતું અને ગાંધીજીના ૧૧ મહાવ્રતોમાં મુખ્ય વાત સત્યની છે. સત્ય ગાંધીજના કેન્દ્રમાં અને સત્યને ધારણ કરવાની શકિત શ્રદ્ધામાં છે તેમ જણાવેલ.

ડો. પંકજ જોશી વિશે ભાગ્યેશ જહાં એ પરિચય આપતા તેમને ગાંધી ચિંતનમાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર અને ગાંધીવાદી માતા-પિતાના પુત્ર તરીકે ઓળખાવી ટોંચના વૈજ્ઞાનિક હોવા છતાં ગાંધીયન ફિલોસોીીના પુરસ્કર્તા માત્ર નહીં પણ ગાંધીજીના વિચારોના સાચા વારસ તરીકે અને ખરા ગાંધીવાદી તરીકે ઓળખાવ્યા હતાં. ડો. પંકજ જોશીએ ગાંધીજી અને વિજ્ઞાન વિશે માર્મિક ચર્ચા કરતા કહ્યું  હતું કે, ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની લડતનો સમય આવ્યો ત્યારે તેમના સમકાલીનો અને પુરોગામીઓ કરતા તેઓનો દૃષ્ટિકોણ અલગ હતો.

(10:00 am IST)