સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th August 2018

જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખ અમીપરાની નિમણૂકના વિરોધમાં ૩૪૨ હોદ્દેદારોના રાજીનામા

મંજુલાબેન પરસાણા, કાંતિભાઈ બોરડ અને ધર્મેશ પરમાર સહિતનાઓએ પ્રદેશ પ્રમુખને મોકલ્યા રાજીનામા

 જૂનાગઢ, તા. ૪ :. જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ પદે વિનુભાઈ અમીપરાની કરાયેલી નિમણૂંકના વિરોધમાં આજે સવારે ૩૪૨ જેટલા કોંગી પદાધિકારીઓએ રાજીનામા આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સતિષભાઈ વિરડાની જગ્યાએ ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમિટી દ્વારા યુવા અગ્રણી વિનુભાઈ અમીપરાની જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ. જેની સામે વિરોધનો સૂર ઉઠયો છે.

શ્રી અમીપરા ભાજપના માણસ હોવાના આક્ષેપ સાથે ગઈકાલે કોર્પોરેશન ખાતે કોંગ્રેસના પદાધિકારીઓ એકત્ર થયા હતા અને આજે સવારે શહેરમાં કોંગ્રેસના સોરઠ ભવન કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસના પદાધિકારીઓ મળ્યા હતા અને ૩૪૨ જેટલા કોંગીજનોએ સામુહિક રીતે શ્રી અમીપરાની નિમણૂકના વિરોધમાં રાજીનામા આપી દીધા હતા.

શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મંજુલાબેન પરસાણા, કાંતિભાઈ બોરડ તેમજ શહેર કોંગ્રેસ કારોબારીના સભ્ય ધર્મેશભાઈ પરમાર સહિત ૩૪૨ જેટલા આગેવાનો, કાર્યકરો, વોર્ડ પ્રમુખો સહિતના હોદેદારોએ પોતાના પદ પરથી રાજીનામા લખીને પ્રદેશ પ્રમુખ તરફ મોકલી આપ્યા હતા.

કોંગ્રેસના આ પદાધિકારીઓએ જણાવ્યુ હતુ કે શહેર કોંગ્રેસના પ્રમુખ પદે વિનુભાઈ અમીપરાની કરાયેલી નિમણૂક અમોને માન્ય નથી. આથી સામુહિક રીતે રાજીનામા આપીને આક્રોશ વ્યકત કર્યો છે.(૨-૨૨)

(4:19 pm IST)