સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th August 2018

રાજુલા-જાફરાબાદના ખેડુતોને પાક વિમાના પ્રશ્ને અન્યાય

રાજુલા તા.૪ : ત્રણેક દિવસ પહેલા અમરેલી જિલ્લાના ખેડુતોનો પાક વિમો રૂ.૨૧૮ કરોડનો મંજૂર થયો. આ રકમ માંથી રાજુલાના ખેડુતો માટે એકપણ રૂપિયો વીમા સ્કીમ હેઠળ ચુકવવાનુ જાહેર ન થતા અને જાફરાબાદ તાલુકાના ખેડુતોને માત્ર ને માત્ર ૮૮૦૫૦ - ૬૬ની મામુલી રકમ જ ફાળવાતા રાજુલા જાફરાબાદના ખેડુતોમાં વિમા કંપની અને સરકાર સામે રોષ ફેલાયેલ છે.

બંને તાલુકાના ખેડુતો માટે સરકારે કયા અને કેવા કારણોસર વીમાની રકમ ચુકવવામાં ભેદભાવ રાખ્યો છે. રાજુલા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીજ્ઞેશભાઇ પટેલેે કહ્યુ હતુ કે કયા અને કેવા સંજોગોસર રાજુલા તાલુકાના ખેડુતોને પાકવિમાની રકમ ચુકવાય નથી તેની અમે જાણકારી મેળવી રહ્યા છીએ.

પાક વિમાના પ્રશ્ને રાજુલા જાફરાબાદ તાલુકાના ખેડુતોને જે અન્યાય થયો છે અને વીમા કંપની અને સરકાર દ્વારા ખેડુતોની ક્રુર મશ્કરી કરી છે.

માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, અમરેલી જિ.પં.ના સદસ્ય ટીકુભાઇ વરૂ, યુસુફભાઇ દરબાન, જોરૂભાઇ ધાખડા, દિલીપભાઇ સોજીત્રા, રાજુલા તા.પં.ના પ્રમુખ બંસીબહેન લાડુમોર વગેરે જણાવ્યુ હતુ કે રાજુલા જાફરાબાદના ખેડુતોને આ પ્રશ્ને હળાહળ અન્યાય થયો છે. વીમા કંપની અને સરકાર યોગ્ય નહી કરે તો ખેડુત સમાજ આંદોલનના મંડાણ કરશે તેવી ચીમકી આપી છે.(૪૫.૩)

(12:44 pm IST)