સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th August 2018

ઉમિયા માનું ૨૫૦ ફૂટ ઉંચું અને ૧૨૫ ફુટ પહોળું ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ ૫ વર્ષમાં થઇ જશે

૧૦૦ વિઘામાં આયોજન : ૧૦ અબજ રૂ.નો ખર્ચ : યુનિવર્સિટી - આરોગ્યધામ - હોસ્ટેલ સહિતની આધુનિક સુવિધાઃ ૭૦ મીટર ઉંચાઇએ વ્યુ ગેલેરી બનશે - શહેર આખું બતાશે * ૮૦*૬૦*૪૦ મીટરનું મંદિર * શિવજી - ગણેશજીના મંદિર બનશે * ૩૫ ફૂટ ઉંચુ માતાજીનું સ્થાન * સીડી - એસ્કેલેટર - લીફટની સુવિધા : પાટીદાર મ્યુઝીયમ બનશે * ૩૦૦૦ કારનું જંગી પાર્કિંગ : સી.કે.પટેલ

રાજકોટ તા. ૪ : અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક ૧૦૦ વીઘા જમીનમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૫ વર્ષમાં પાટીદાર એમ્પાવરમેન્ટ હબ તૈયાર કરાશે. જેમાં મા ઉમિયાનું ૮૦ મીટર ઊંચુ ભવ્ય મંદિર તૈયાર કરવાની સાથે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તરે સમાજના સર્વાંગી વિકાસ માટે સમાજોપયોગી આત્યાધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી. કે. પટેલે જણાવ્યું કે, વૈષ્ણોદેવી પાસે જાસપુર લીલપુર માર્ગ પર સંસ્થા દ્વારા ૧૦૦ વીઘા જમીનમાં તૈયાર થનારો આ મંદિર વૈશ્વિક સ્તરના ટૂરિઝમ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે. મંદિરમાં પાટીદાર સમાજનો ઇતિહાસ પણ રજૂ કરવામાં આવશે. કેમ્પસમાં યુનિવર્સિટી, આરોગ્યધામ, હોસ્ટેલ સહિત અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઓફિસ શરૂ મંદિર સહિત અન્ય બિલ્ડિંગો તૈયાર થતા ૫ વર્ષ જેટલો સમય લાગશે. આ કામગીરી પર દેખરેખ રાખવા અને કામગીરીને ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ૫ મીએ રવિવારે ઉમિયા કેમ્પસ, સોલારોડ, એસજી હાઈવે ખાતે બપોરે ૩ વાગે સંપૂર્ણ કમ્પ્યૂટરાઈઝ મધ્યસ્થ કાર્યાલયનું તેમજ પંચામૃત યોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે.

૭૦ મીટરની ઊંચાઈએ વ્યૂ ગેલેરી બનાવાશે. મંદિરની ઊંચાઇ ૮૦ મીટર, લંબાઈ ૬૦ મીટર અને પહોળાઈ ૪૦ મીટર. શિખર પર ૭૦ મીટર ઊંચાઈએ વ્યૂ ગેલેરીમાંથી શહેર જોઇ શકાશે.  મંદિરમાં ડાબી બાજુએ શિવજી અને જમણી બાજુએ ગણેશજીનું મંદિર બનશે. માતાજીનું સ્થાન જમીનથી ૩૫ ફૂટ ઊંચાઈ પર હશે. મંદિરમાં પહોંચવા માટે સીડી, એસ્કેલેટર અને લિફટની સુવિધા.  મંદિરમાં વોકર (ટ્રાવેલેટર) મુકાશે, તેની સ્પીડ વધારી ઘટાડી શકાશે.  ગ્રાઉન્ડ ફલોર પર સત્સંગ હોલ, કથા હોલ, પ્રથમ માળે પાટીદાર મ્યુઝિયમ અને બીજા માળે મંદિર હશે. બેઝમેન્ટમાં ૩૦૦૦ કાર, ૫૦૦૦થી વધુ ટૂ વ્હીલર પાર્કિંગ વ્યવસ્થા.(૨૧.૮)

(12:26 pm IST)