સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

મહુવામાં સત્તાપલટો :ભાજપના અસંતુષ્ટોએ કોંગ્રેસ તરફી મતદાન કરતા પાલિકામાં કોંગ્રેસે કર્યો કબ્જો

કોંગ્રેસે પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ ભાજપના અસંતુષ્ટોને આપવું પડ્યું હતું.

મહુવા મહુવામાં ભાજપ શાસિત નગરપાલિકામાં સત્તાપલટો થયો છે નપાના મહિલા પ્રમુખની ટર્મ પુરી થતા પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં ભાજપના અસંતુષ્ઠોએ કોંગ્રેસ તરફી મતદાન કરતા ભાજપે પાલિકા ગુમાવી અને કોંગ્રેસે કબ્જો કર્યો છે.

   મહુવા ભાજપ શાસિત નગરપાલિકાના મહિલા પ્રમુખ જીતૂબેનની અઢી વર્ષની ટર્મ પૂરી થતા પાલિકા મિટિંગ હોલ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી.

  પાલિકાની કુલ 36 બેઠકોમાં ભાજપ પાસે 23 અને કોંગ્રેસ પાસે 13 બેઠકો હતી, પરંતુ ગત વિધાનસભામાં ભાજપમાંથી ટિકિટ નહિ મળવાને કારણે નારાજ થયેલા બિપીનભાઈ સંઘવીના ગ્રુપમાં અસંતોષ હતો જેનો પૂરતો ફાયદો ઉઠાવતા કોંગ્રેસે ભાજપના સાત સભ્યોને પોતાની તરફેણમાં મતદાન કરાવવામાં સફળ રહેતા કોંગ્રેસને 20 મત અને ભાજપને 16 મત મળતા કોંગ્રેસે નગરપાલિકા પર સત્તા જમાવી હતી અને અધ્યક્ષે મંગુબેન બારૈયાને પ્રમુખ અને શૈલેષભાઇ સેંતાને ઉપ પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. જોકે કહી શકાય કે કોંગ્રેસે પાલિકા પર કબ્જો મેળવવા પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ ભાજપના અસંતુષ્ટોને આપવું પડ્યું હતું.

  મહુવા નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઇ સેંતાએ જણાવ્યું કે, આજે વિજય છે એ મહુવા વાસીઓનાં વિશ્વાસનો વિજય છે તેમજ આવતા દિવસોમાં અમે મહુવાની તમામ જ્ઞાતિ સમાજની સુખાકારી માટે પાલિકા સતત કાર્યશીલ રહેશે.

  GPCC વાઇસ પ્રેસિડેન્ટ બાબુભાઇ મંગુકિયાએ જણાવ્યું કે, 2019ની લોકસભાની ચૂંટણી માટેનો સારો સંદેશ છે એટલા માટે કે અર્બન વોટર્સ કોંગ્રેસની વિમુખ છે તે વાત ચોક્કસ પણે નકારી શકાય અને કર્ણાટકની રાજ્યસભાની કે અન્ય કોઈ ચૂંટણીમાં ભાજપને સફળતા મળી નથી આજનું પરિણામ દેખાડે છે કે વિકાસની વાતો કરનારી ભાજપનાજ સભ્યો વિકાસની વાતો પોકળ સાબિત થવાથી અમારી સાથે છે

(11:41 pm IST)