સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

ગૌવંશ મોત મુદ્દે જુનાગઢ મનપાના કમિશ્નર સામે એફઆઇઆરની કોંગ્રેસની માંગણી

રિકવીઝેશન બોર્ડમાં કોંગ્રેસના સભ્યો ગૌમાતાનો મુખવટો પહેરીને પહોંચ્યા : હોબાળો

જુનાગઢ : તસ્વીરમાં બોર્ડમાં ધાંધલ-ધમાલ થઇ તે નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ, તા. ૪ : ગૌવંશના મોતના મામલે જૂનાગઢ મનપાના કમિશ્નર સામે વિરોધ પક્ષ કોંગ્રેસે એફઆઇઆરની માંગણી કરી હોબાળો મચાવતા રિકવીઝેશન બોર્ડમાં ધમાલ જોવા મળી હતી.

જૂનાગઢ મહાનગરપાલિકા અનુદાનીત ગૌશાળાઓમાં કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવેલ ગૌવંશ પૈકી ૧૩૮૦ ગાય માતાના બે વર્ષમાં મૃત્યુ થયા હોય તેમજ અન્ય કૌભાંડના મામલે વિરોધ પક્ષ કોંગ્રેસની દરખાસ્તના આધારે આજે સવારે મનપા ખાતે રિકવીઝેશન બોર્ડ મળ્યું હતું.

ખાસ બોર્ડની આ બેઠકમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા સતિષભાઇ વિરડાની આગેવાનીમાં તેમના સાથી સભ્યો હુશેનભાઇ હાલા, મંજુલાબેન પરસાણા, અરજનભાઇ કારાવદરા સહિત કોંગી નગર સેવકો ગાયમાતાનો મુખવટો ધારણ કરીને પહોંચ્યા હતાં.

આ બેઠકના પ્રારંભે વિપક્ષે ગાયમાતાના મોત ઉપરાંત અન્ય કથિત કૌભાંડના મામલે હોબાળો મચાવી ઉગ્ર રજુઆત કરી હતી. વિપક્ષી નેતા કેપ્ટન શ્રી વિરડાએ ગૌવંશના મૃત્યુ પ્રકરણમાં માત્ર ત્રણ કર્મચારીઓને નોટીસ આપીને સંતોષ માનવાને બદલે કમિશ્નર સામે એફઆઇઆર દાખલ કરાવવાની માંગણી કરી હતી.

આજનું રિકવીઝેશન બોર્ડ ગરમા ગરમ રહ્યું હતું. કોઇ જાતનો અઘટીત બનાવ બને નહીં તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

(3:43 pm IST)