સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

કોડીનારના ફાયરીંગ-હુમલા પ્રકરણમાં આરોપીઓની જામીન અરજી રદઃ જેલ હવાલે

કોડીનાર તા. ૪ :.. કોડીનાર શહેરમાં ગત સપ્તાહ ફીશ માર્કેટ રોડ ઉપર બે શખ્સો ઉપર જવલેણ હૂમલો કરી ખાનગી ફાયરીંગ કર્યાની ઘટનામાં પકડાયેલ તમામ પાંચ આરોપીઓનાં કોર્ટે જામીન નામંજૂર કરી જેલ હવાલે કર્યા છે.

આ ઘટનાની વિગત મુજબ નાથા લખમણ સોલંકી અને ભાવેશ દમણીયા ઉપર ચંદ્રકાંતસિંહ રાઠોડ ઉર્ફે બાબુડી-રફીક સુલેમાન સલોત-સુલેમાન શફી જુણેજા ઉર્ફે ખજુર- પ્રકાશ મનુ ચુડાસમા ઉર્ફે પકલો અને પુનિત સિંધીએ તલવાર વડે જીવલેણ હૂમલો કરી ચાર રાઉન્ડ ખાનગી ફાયરીંંગ કર્યાની ઘટનામાં ગીર સોમનાથ જીલ્લા એલ. સી. બી. ટીમે ઉપરોકત પાંચેય આરોપીઓને ગડુ ચોરવાડ હાઇવે ઉપરથી પકડી પાડયા બાદ કોડીનારમાં કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામનાં ૩ દિવસનાં રીમાન્ડ મંજૂર કર્યા બાદ રીમાન્ડ દરમિયાન પ્રકાશ મનુ ચુડાસમા ઉર્ફે પકલાએ જંગલી પિર વિસ્તારમાં વાડના બાવળમાંથી ફાયરીંગમાં વપરાયેલ ગન પંચની હાજરીમાં પોલીસને કાઢી આપી હતી. રીમાન્ડમાં પોલીસે ગન સહિતના તમામ હથીયારો કબ્જે કર્યા આજે રીમાન્ડ પુર્ણ થતા કોડીનાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓનાં જામીન ના મંજૂર કરી જેલ હવાલે કરેલ છે. (પ-૮)

(12:03 pm IST)