સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન થકી ગુજરાતને કોરાનામુકત કરવું છે: ગુજરાતમાં કોરાનાના કેસો સ્ટેબલ:ગુજરાત સરકાર યુધ્ધના ધોરણે મેડીકલ સુવિધાઓ વધારતી રહેશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતમાં ઓકિસજનના ૧૫ થી ૨૦ પ્લાન્ટ બની રહયા છે, જૂનાગઢને પુરતો ઓકિસજન અપાશે: મુખ્યમંત્રી:૧૫ મે સુધીમાં જૂનાગઢ જિલ્લાના દરેક ઘરે ઘરે સર્વેલન્સ થશે

જૂનાગઢ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા  બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રીએ જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટીતંત્રને  કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા અને કોરોનાના તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે એ માટે જરૂરી માર્ગદર્શન સુચનાઓ આપી હતી.

 ટેસ્ટીંગ,ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ  પર ભાર મૂકીને દિશા દર્શન આપતા  મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,. સંક્રમણ વધ્યુ છે  ત્યારે આવા સંજોગોમાં જૂનાગઢ જિલ્લાને હેમખેમ પાર પાડવો છે. કોરોનાનુ સંક્રમણ ઘટાડવા મારૂ ગામ કોરોના મુક્ત અભિયાનની ઝુંબેશને વધું વેગવાન બનાવવામાં આવશે. મારૂ ગામ કોરોના મુકત થકી ગામડાઓમાં પણ વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે થઈ રહી છે. સૈાના સહકારથી ગુજરાતને કોરોનામુકત કરવું છે. રાજય સરકારે ઓકિસજન,રેમડેસીવેર ઈનજેકશન અને બેડની સંખ્યા યુદ્ધના ધોરણે વધારી છે. હવે ગુજરાતમાં કેસો સ્ટેબલ થઈ રહયા છે. પરંતુ આપણે અતી વિશ્વાસમાં રહેવું નથી ગુજરાતમાં ઓકિસજનના નવા પ્લાન્ટ બની રહયા છે. હવામાં થી સીધો જ ઓકિસજન બને તેવા પ્લાન્ટ થકી ગુજરાતની ઓકિસજન સપ્લાઈ વધારવી છે.

જૂનાગઢની સ્થિતિની સમીક્ષા કરીને મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના ૪૯૧ ગામોમાં ઘરે ઘરે આરોગ્‍ય કાર્યકર આશાવર્કર બહેનો દરરોજ સર્વેલન્સ કરશે. જે લોકોને શરદી, તાવ, ઉધરસ હોય તેનું કોરોનાનું ટેસ્ટીંગ થશે. .ગામડાઓમાં જ શાળા, સમાજની વાડીમાં આઇસોલેશન સેન્ટર બનાવાશે. ત્યાં જ દર્દીને સારવાર આપવામાં આવશે. આ કામગીરી ની શરૂઆત સંસદસભ્યો, ધારાસભ્યો, પંચાયત સભ્યો અને સમાજ શ્રેષ્ઠીઓના સહકાર થી થઈ રહી છે.

  મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, કપરા સમયમાં તંત્ર, સમાજ, સંસ્થાએ સાથે મળીને જવાબદારી નિભાવવાની છે. તેમણે  લોકોને કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ તા.૧૫ મે સુધી દરેક ગામ કોરોના મુક્ત રહે એ માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્યોને પણ ગામના પ્રવાસ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

  આ તકે મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં કોવિડ-૧૯ સંદર્ભે થયેલ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ મુખ્યમંત્રીએ હાલમાં સિવિલ હોસ્પિટલમાં હજુ બેડની સંખ્યા વધારવા, દવા, સાધનો, PPE કીટ, માસ્કનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા અધિકારીઓને સુચના આપી હતી

 . મુખ્યમંત્રીએ વધુમાં ઓકસિજન વગર કોઇને હેરાન  ન થવું પડે, રેમીડસીવેર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહે, ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ ધનવંતરી રથનો ઉપયોગ કરે તેની ઉપર ભાર આપ્યો હતો. સાથે જ જેટલા નાગરિકો વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે તેમને બીજા ડોઝ માટે અગ્રતા આપવા અંગે પણ માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કોવિડ-૧૯ મહામારીમાં દિવસ-રાત ફરજ બજાવતા ડોક્ટરર્સ, હેલ્થવર્કરોની કામગીરીને બીરદાવી હતી.

 જિલ્લા વહીવટીતંત્ર સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ મીડીયાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ મીડીયા સંબોધન કરતા જણાવ્યું હતું કે, ૧૫ માર્ચથી અત્યાર સુધી રાજ્ય સરકારે દિવસ રાત જોયા વગર ઓછામાં ઓછું સંક્રમણ થાય, લોકોને વધુને વધુ સારવાર માટે નિર્ણયો લીધા છે. વ્યવસ્થાઓ ગોઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ૧૫ માર્ચે રાજ્યમાં ૪૧ હજાર બેડ હતા. આજે ૧ લાખથી વધુ છે. ૧૫ માર્ચે ૧૮ હજાર ઓક્સિજન બેડ હતા. આજે ૫૭ હજાર બેડ છે. તા.૧૫ માર્ચે ૨૧૫ ટન ઓક્સિજનનો વપરાશ હતો. આજે ૧૧૦૦ ટનથી વધુ ઓક્સિજનનો વપરાશ થઇ રહ્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, જૂનાગઢ જિલ્લામાં ૧૫ માર્ચ પછી બેડની સંખ્યા વધારવામાં આવી છે. જિલ્લામાં કુલ ૨ હજાર બેડ છે. હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડની સુવિધા, દવા, ઇન્જેક્શનનો પૂરતો જથ્થો જળવાઇ રહે તે અંગે વહિવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. રાજ્યના અન્ય શહેરોની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ ટુંક સમયમાં ૧૮ થી   ઉપરના યુવાનોને રસી અપાશે. હાલમાં ૪૫ થી વધુ વયના અને જે લોકોએ એક ડોઝ લીધો છે વેક્સીનનો તેમને ડોઝ આપવાની અગ્રતા છે. આરટીપીસીઆર રિપોર્ટ વહેલામાં વહેલી તકે  આવે એ પ્રાથમિકતા છે. ટેસ્ટીંગની ક્ષમતા વધારાઇ છે. કૃષિ યુનિ.નાં લેબ મશીન મેડીકલ કોલેજને અપાયા છે. કેશોદ હોસ્પિટલનું કામ પણ જલ્દી પૂરૂ થશે. આ તકે કલેકટર શ્રી ડો.સૈારભ પારઘી એ  સમગ્ર જિલ્લામાં કોરોના દર્દીઓ માટે ઉભી કરાયેલી સારવાની માહિતી આપી હતી.

 આ તકે બેઠકમાં પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા, સંસદસભ્ય રાજેશભાઇ ચુડાસમા મુખ્યસચિવ અનીલ મુકીમ,  આરોગ્ય વિભાગના અગ્રસચિવજયંતી રવી, પ્રભારી સચિવ મનીષ ભારદ્રાજ, મેયર ધીરૂભાઇ ગોહેલ,  જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા સહકારી બેન્કના એમ.ડી. દિનેશભાઇ ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, ધારાસભ્ય દેવાભાઇ માલમ, ડીઆઇજી મનીંદર પવાર સીંધ, ડીડીઓ પ્રવીણ ચૌધરી, એસપી રવી તેજા સેટ્ટી, આરોગ્ય અધિકારી ડો. મહેતા, ડો.વ્યાસ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(10:45 pm IST)