સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

સૌરાષ્ટ્રમાં માવઠુ યથાવતઃ ગોંડલ-મોટીગોપ-જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદ

તસ્વીરમાં ગોંડલ અને જામજોધપુરના ગોપમાં વરસતો વરસાદ નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ, અશોક ઠાકર-જામજોધપુર)

રાજકોટ, તા. ૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી આખો દિવસ ઉનાળા જેવુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે કમોસમી વરસાદ પડે છે. આજે પણ અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં જામજોધપુરના મોટીગોપ, જૂનાગઢ, ગોંડલ પંથકમાં માવઠુ વરસ્યુ છે.

જામજોધપુર

જામજોધપુરઃ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટીગોપમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે પણ સાંજના સમયે કમોસમી વરસાદ શરૂ થયો છે. પવનના સુસવાટા સાથે આ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આખો દિવસ અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં થોડી ઠંડક મળી છે. માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢમાં પણ આજે સતત ચોથા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. છેલ્લા ૪ દિવસથી દરરોજ સાંજના સમયે જૂનાગઢ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી જાય છે. આજે પણ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.

ગોંડલ

ગોંડલઃ રાજકોટથી ૩૫ કિ.મી. દૂર આવેલ ગોંડલમાં પણ બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાયુ હતુ અને પવન સાથે વરસાદ વરસવાનુ શરૂ થતા ગરમીમાંથી થોડી રાહત મળી છે.

(4:19 pm IST)