સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

પોરબંદરમાં માનવતા સાથે ફરજ બજાવી કોરોના દર્દીઓના જીવન બચાવી રહેલ ડોકટર દંપતી

કોવિડ હોસ્પિટલમાં દોઢ વર્ષથી અવિરત સેવા આપતા ડો. સિદ્ધાર્થસિંહ જાડેજા તથા તેના પત્ની ડો. પ્રીતિબેન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૪: કોરોનાના દર્દીઓના જીવ બચાવવા કોવિડ હોસ્પિટલમાં માનવતા સાથે ડો. સિધ્ધાર્થસિંહ જાડેજા તથા તેના પત્ની પ્રીતિબેન દોઢ વર્ષથી અવિરત ફરજ બજાવી રહેલ છે.

કોવિડ હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષથી ડો. સિદ્ધાર્થસિંહ જાડેજા તેમના ધર્મપત્નિ ડો. પ્રિતિબેન જાડેજા અને તેમની આખી ટીમ દિવસ-રાત જોયા વગર વધુને વધુ માનવ જિંદગી બચાવવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. ઓછા સંસાધનો, અપુરતો સ્ટાફ, સતત દવાઓની કમી, અને દર્દીઓના ખડકલા વચ્ચે કરવું અઘરૃં હોવા છતાં ડો. સિદ્ધાર્થસિંહ જાડેજા અને તેમની ટીમ ઝઝુમી રહી છે. આજે ઠેર ઠેર કોરોના દર્દીઓને કોર્પોરેટ હોસ્પિટલો ઉઘાડી લૂંટ કરી રહી છે એવા સમયે જેને માનવતા અને દયાભાવના વારસામાં મળી છે એવા ભાવસિંહજી હોસ્પિટલમાં વર્ષો સુધી સિવિલ સર્જન તરીકે પ્રેરણારૂપ અને યાદગાર સેવા પ્રધભાન કરનાર ડો. એન. યુ. જાડેજાના પુત્ર ડો. સિદ્ધાર્થસિંહ જાડેજા એ પણ પિતાના પગલે ચાલીને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર આપવા માટે જ આ દંપતીએ સરકારી ભાવસિંહજી કોવીડ હોસ્પિટલમાં સેવા આપવાનો નિર્ધાર કરીને છેલ્લા દોઢ વર્ષથી ઝઝૂમી રહ્યા છે. ડો. સિદ્ધાર્થસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ અને સ્વીપર ભાઇ બહેનો સુધી સૌ કોઇ અથાક મહેનત કરી રહ્યા છે. ડો. સિદ્ધાર્થસિંહ જાડેજાની સાથે ડો. પ્રીતિબેન જાડેજા, ડો. જોખિયા સર, ડો. ભાદરકા મેડમ, ડો. નિરાલીબેન ઓડેદરા, ડો. સોજિત્રા સર, ડો. પાંજરી સર સહિતના ડોકટરો અને તેમની સમગ્ર ટીમનું આ મહામૂલું યોગદાન આપી રહેલ છે.

(1:03 pm IST)