સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th May 2019

ધોરાજીમાં પીવાનાં પાણીમાં ગટરનું પાણી ભળતા દેકારો

વારંવાર રજૂઆતો છતા પરિણામ ન આવતા ટેન્કરનો સહારો

ધોરાજી, તા.૪:  રાજયમાં ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યારે ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હદ વટાવી રહી છે. અને સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે પાણીના નામે પણ રાજકારણ ખેલાતું હોવાની લોકચર્ચા ચર્ચાઈ રહી છે.

ધોરાજી શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા માં સુધાર આવવાને બદલે ઉલટા દિન-પ્રતિદિન વિતરણ વ્યવસ્થા બગડતી જાય છે ધોરાજીમાં દર ચાર દિવસે થતું પાણીનું વિતરણ હવે દોર છથી આઠ દિવસે થવા લાગ્યું છે.

આ મામલે ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા પ્રજાને સમયસર પાણી મળી રહે તે માટે હજુ સુધી કોઈ નક્કર આયોજન ન કરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ ઉપરાંત ધોરાજીના જૂનાગઢ રોડ પર આંબાવાડી વિસ્તારમાં છેલ્લા અઢી માસથી દુર્ગંધ મારતું અને એકદમ કાળા રંગ નું અને વાપરવાના ઉપયોગમાં પણ ન લઈ શકાય તેવું પાણી વિતરણ થઇ રહ્યું છે.

ધોરાજી નગરપાલિકાના વોટર વક્ષ સમિતિના ચેરમેન અમીશ અંટાળાએ જણાવેલ કે ફોફર ડેમમાં પાણીનો જથ્થો ઓછો થયો હોવાથી પાણી પ્રેશરથી આવતું ન હોય જેને કારણે પાણી વિતરણ વિલંબમાં મુકાઈ છે આગામી દિવસોમાં ડેમ વિસ્તારમાં ઇલેકિટ્રક મોટર વડે કંપની દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાશે તેમજ ધોરાજી નગરપાલિકામાં ભાજપના શાસન સમયે સાડા અગિયાર કરોડના ખર્ચે જે પાણીની નવી ડીસ્ટ્રીબ્યુશન લાઈન નાખવામાં આવી છે તે અણદ્યડ રીતે ફીટ કરવામાં આવી હોય તેમજ તેનું કામ અધૂરું હોય તને પાઈપની સાઈઝ પણ નાની હોવાથી નવી લાઈનમાં પાણી વિતરણ ખૂબ મુશ્કેલ છે આમ વર્તમાન શાસકે પૂર્વ શાસકો પર દોષારોપણ કર્યું હતું.

લતાવાસીઓએ પણ દુષિત પાણી પ્રશ્ને આક્રોશ ઠાલવ્યો છે.

આ અંગે ચિફ ઓફિસર બી.યુ. જાડેજાએ જણાવ્યુ હતુ કે ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી આ સ્થિતી હોવાથી આ સ્થિતી સર્જાઇ છે.

(1:31 pm IST)