સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

સોમનાથ સંસ્કૃત યુનિ.નો ૧૩મો પદવીદાન સમારોહ કાલે ઓનલાઇન યોજાશે

વેરાવળ - પ્રભાસ પાટણ તા. ૪ :સોમનાથ સંસ્કૃત યુનિ. દ્વારા ૧૩મો પદવીદાન સમારોહ તા. ૦૫-૦૩-૨૧ના રોજ સવારે ૧૧ કલાકે યુનિ. કેમ્પસ પર ઓનલાઇન રાજયપાલ અને યુનિ.કુલાધિપતિશ્રી દેવવ્રત આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનાર છે.શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,મુખ્ય અતિથી તરીકે ભાઈ રમેશભાઈ ઓઝા,સારસ્વત તરીકે એન.ગોપાલસ્વામીજી ઓનલાઈન હાજરી આપશે. ઉપરાંત સાંસદ રાજેશભાઈ ચુડાસમા,કુલપતિ પ્રો.ગોપબન્ધુ મિશ્ર અને કુલસચિવ ડો.દશરથ જાદવ પણ સહભાગી થશે.

યુનિ.માં ચાલતા અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી બી.એ.-૩૧૮,આચાર્ય-એમ.એ-૧૭૫,પીજીડીસીએ-૧૭૫, શિક્ષાશાસ્ત્રી-બી.એડ-૪૯,તત્વાચાર્ય-એમ.ફિલ-૨૪,વિભાવારિધિ-પીએચડી-૯ મળી કુલ ૭૫૦ પદવી પ્રમાણપત્રો વિધાર્થીઓને એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં ૧૯ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર મેડલ એમ કુલ મળીને ૨૩ જેટલા પદકો એનાયત કરવામાં આવશે.

 

જૂનાગઢમાં ખૂનની કોશિશ કરનાર આરોપી ઝડપાયો
જૂનાગઢ,તા. ૪: ગઈ તા. ૦૧.૦૩.૨૦૨૧ ના રોજ ઝાંઝરડા રોડ ઉપર બાબા કોમ્પલેક્ષ પાસે ફરિયાદી ફારૂકભાઈ હસનભાઈ ઘોઘારી યુવી. ૫૦ રહે. સરદાર બાગ, ગરીબ નવાઝ સોસાયટી, જૂનાગઢની રસની લારી ઉપર તેઓ સાથે અગાઉના મન દુઃખના કારણે ઝઘડો કરી, આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ અને એક સગીર દ્વારા છરી વડે હુમલો કરી,   છાતી, માથામાં તથા બંને પગમાં ગંભીર ઈજાઓ કરવામાં આવતા, ખૂનની કોશિશ નો ગુન્હો નોંધી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.બી. સોલંકી તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ટેકિનકલ સેલ જેવી જુદી જુદી તપાસ ટીમો દ્વારા સગીર આરોપીને તાત્કાલિક પકડી પાડવામાં આવેલ જયારે મુખ્ય કુખ્યાત આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ પોતાની પાસેની હીરો હોંડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને નીકળેલ હોઈ, સીસીટીવી ફૂટેજ ચેક કરતા, રાજકોટ તરફ ગાયેલાનું જણાઈ આવેલ હતું. ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ.આઈ.ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના હે.કો. વી.કે.ચાવડા, પો.કો. સાહિલભાઈ, સહિતનીની ટીમ દ્વારા આરોપીનું પગેરું દબાવતા,  તેમજ સીસીટીવી કેમેરાના સર્વેલન્સ મારફતે પીએસઆઇ પી.એચ.મશરૂની ટીમને માહિતી મળેલ કે, આગલી રાતે આરોપી મોટર સાયકલ લઈને પરત જૂનાગઢ આવેલ છે. જે મળેલ બાતમી આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, હે.કો. પરેશભાઈ, અલતાફભાઈ, મુકેશભાઈ, કલ્પેશભાઈ, રઘુવીરભાઈ, વિપુલભાઈ, નિપુણભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા વહેલી સવારે ચિતાખાના ચોક, જીવાશા ચકલા પાસેથી ગણતરીના દિવસમાં આરોપી શબ્બીર હાલા ગામેતી ઉવ. ૨૧ રહે. મેમણ કોલોની, સરદાર બાગ, જૂનાગઢને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલાની પૂછપરછમાં પોતાને ફરિયાદીના દીકરા સાથે રેકડી બાબતે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ તે બાબતે અવાર નવાર બોલાચાલી કરતો હોય, જેથી પોતે પોતાના સગીર મિત્ર સાથે મળી, મારામારી કરી લીધેલાની કબૂલાત પણ કરવામાં આવેલ છે.

(1:46 pm IST)