સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

ભરણપોષણના કેસમાં કાલાવડ કોર્ટ દ્વારા પતિને ર૦૦ દિવસની સજા

(કમલેશ આશરા દ્વારા) કાલાવડ તા. ૪ : ભરણપોષણની ચડત રકમ નહી ચુકવનાર પતિને ર૦૦ દિવસની સજા કાલાવડની કોર્ટે ફટકારી છે.

આ કેસની વિગત મુજબ જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં રહેતા સુમીતાબેન ઉર્ફે મીનાબેન રમેશભાઇ રાખસીયાના લગ્ન રમેશભાઇ આંબાભાઇ રાખશીયા સાથે થયેલા હતા. લગ્ન બાદ રમેશભાઇ આંબાભાઇ રાખશીયાએ તેમની પત્ની સુમીતાબેન ઉર્ફે મીનાબેન રમેશભાઇ રાખશીયાને દહેજ બાબતે મેણા ટોણા મારી દુઃખ ત્રાસ આપી ઘરેથી મારકુટ કરી કાઢી મુકેલ હોય જેથી અરજદાર સુમીતાબેન ઉર્ફે મીનાબેન રમેશભાઇ રાખશીયાએ તેમના પતિ રમેશભાઇ આમ્બાભાઇ રાખશીયા વિરૂધ્ધ ભરણ પોષણ મેળવવા કાલાવડ કોર્ટમાં અરજી કરેલ હોય જે અરજી ચાલી જતાં કાલાવડ નામદાર કોર્ટ દ્વારા ભરણ પોષણ ચુકવવા સામાવાળાને આદેશ કરેલ.

સામાવાળા પતિએ ભરણ પોષણની રકમ ન ચુકવતા અરજદાર સુમીતાબેન ઉર્ફે મીનાબેન રમેશભાઇ રાખશીયા ચડત ભરણ પોષણની કુલ રૂ.૪૬,૯૦૦ મેળવવા અરજી કરેલ હોય જે ચડત ભરણ પોષણની રકમ આ કામના સામાવાળા નહી ચુકવતા કાલાવડ  કોર્ટનાં જજશ્રી એસ.કે.શર્માએ સામાવાળા  રમેશભાઇ આંબાભાઇ રાખશીયાને ર૦૦ દિવસની સજા ફટકારી હતી.

અરજદાર સુમીતાબેન ઉર્ફે મીનાબેન રમેશભાઇ રાખશીયા તરફે  એડવોકેટ એમ.એચ. જુણેજા તથા આય.વાય. કાજી, આઇ.જી.કાદરી તેમજ કે.આર.ચૌહાણ વિગેરે રોકાયા હતાં.

(1:35 pm IST)