સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

૧૦૦ થી વધુ દેશોના ૧.૭ લાખથી વધુ સહભાગીતા સાથે વિશ્વની સૌથી મોટી વર્ચ્યુઅલ સમિટસમાંની આ એક : મનસુખભાઇ માંડવિયા

પ્રધાનમંત્રી દ્વારા મેરિટાઇમ ઇન્ડિયા સમિટ-૨૦૨૧નું વર્ચ્યુઅલી ઉદઘાટન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે વિડીયો કોન્ફરન્સીંગ મારફતે મેરિટાઇમ ઇન્ડિયા સમિટ ૨૦૨૧નુ ઉદઘાટન કરેલ હતુ. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેન્ની એંગ્લેબ્રેકટ ગુજરાત અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને બંદરો, શીપીંગ અને જળમાર્ગ માટેના કેન્દ્રીય રાજયકક્ષાના પ્રધાન (સ્વતંત્ર હવાલો) મનસુખભાઇ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના સ્વાગત સંબોધનમાં મનસુખ માંડવીયાએ કહ્યુ કે, ૧૦૦ થી વધુ દેશોના ૧.૭ લાખથી વધુ નોંધાયેલ સહભાગીઓની સહભાગિતા સાથે મેરીટાઇમ ઇન્ડિયા સમીટ એ વિશ્વની સૌથી મોટી વર્ચ્યુઅલ સમિટસમાંની એક છે. આ ત્રણ દિવસીય શિખર બેઠકમાં ૮ દેશોના પ્રધાન શ્રીઓ, ૫૦ થી વધુ વૈશ્વિક સીઇઓ અને ૨૪ દેશોના ૧૧૫ આંતરરાષ્ટ્રીય વકતાઓ સહિત ૧૬૦ થી વધારે વકતાઓ હશે.

શ્રી માંડવીયાએ વધુમાં આ ક્ષેત્રોના તમામ હિતધારકો અને વિશ્વભરના રોકાણકારોને ખાતરી આપી હતી અને કહ્યુ હતુ કે ભારત સરકાર મેરીટાઇમ ક્ષેત્રે રોકાણને સુગમ્ય અને નકકર કરવા માટે અને આત્મર્નિભર ભારતના સ્વપ્નમાં અમારી ભુમિકા માટે સંપુર્ણ સજજ છે.

પ્રધાનમંત્રીશ્રીએ મેરીટાઇમ ઇન્ડિયા વિઝન ૨૦૩૦ની ઇબુકનુ વિમોચન કર્યુ હતુ. મેરીટાઇમ વિઝન ૨૦૩૦નો હેતુ આગામી ૧૦ વર્ષોમાં ભારતીય મેરીટાઇમ ઉદ્યોગને ટોચના વૈશ્વિક માનદંડની સમકક્ષ લાવવાનો છે. પ્રધાનમંત્રીશ્રીએ સાગર મંથન, મર્કન્ટાઇલ, મેરીટાઇમ ડોમેઇન અવેરનેસ સેન્ટર (એનએમ - ડીએસી)ની ઇતકતીનુ અનાવરણ પણ કર્યુ હતુ. આ મેરીટાઇમ સલામતી સર્ચ અને બચાવ ક્ષમતાઓ, સુરક્ષા અને દરિયાઇ પર્યાવરણ સુરક્ષા વધારવા માટેની માહિતી પ્રણાલી છે.

આ પ્રસંગે બોલતા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વને ભારત આવીને ભારતના વિકાસ પથનો ભાગ બનવા માટે આમંત્રણ આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે, ભારત મેરીટાઇમ ક્ષેત્રમાં વિકાસ વિશે અતિ ગંભીર છે અને વિશ્વમાં અગ્રણી બ્લુ ઇકોનોમી તરીકે ઉભરી રહ્યુ છે.

પ્રધાનમંત્રીશ્રીએ નોંધ્યુ કે ટુકડે ટુકડે અભિગમ અપનાવવા કરતા સમગ્ર ક્ષેત્ર પર એક અભિગમ પર ધ્યાન કેન્દ્રીત કરાયુ છે તેમણે માહિતી આપી હતી કે મુખ્ય બંદરોની ક્ષમતા ૨૦૧૪માં ૮૭૦ મીલીયન ટન હતી તે હવે વધીને ૧૫૫૦ મીલીયન ટન થઇ છે. ભારતીય બંદરોનો વિસ્તાર હવે આ રીતનો છે. સરળ ડેટા પ્રવાહ માટે સીધી પોર્ટ ડીલીવરી, સીધી પોર્ટ એન્ટ્રી અને અપગ્રેડેડ પોર્ટ કોમ્યુનીટી સિસ્ટમ (પીસીએસ) આપણા બંદરોએ આવતા અને જતા કાર્ગો માટેનો વેઇટીંગ સમય ઘટાડી દીધો છે. તેમણે આવી માહિતી પણ આપી કે વઢવાણ, પારાદિપ અને કંડલામાં દિનદયાળ પોર્ટમાં વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે મેગા પોર્ટસ વિકસાવાઇ રહ્યા છે.

વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ આપતા પ્રધાનમંત્રીએ સમાપન કર્યુ કે, ભારતનો લાંબો દરિયાકાંઠો આપની રાહ જોઇ રહ્યો છે.અમારા બંદરોમાં રોકાણ કરો, અમારા લોકોમાં રોકાણ કરો. ભારતને આપનુ પસંદગીનુ વેપાર સ્થળ બનવા દો. વેપાર અને વાણિજય માટે ભારતીય બંદરોને આપના પોર્ટ ઓફ કોલ બનાવીએ.

(11:48 am IST)