સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

કોણ 'કળા' કરી ગયુ ? વિવાદમાં નવો ફણગોઃ પોલીસ ફરિયાદની વિચારણા

ડી.કે. સાથે મારે કોઇ વાત થયેલ નહિ,વાઇરલ ઓડીયો બનાવટીઃ કણસાગરા

રાજકોટ તા. ૪ : તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણી પુર્વે ભાજપના પુર્વે જિલ્લા પ્રમુખ ડી.કે. સખીયા અને ધોરાજી તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ નિલેષ કણસાગરા, વચ્ચે થયેલી વાતચીતના કથિત  ઓડીયોએ ચકચાર જગાવેલ. જેમાં ભાજપના અમુક ઉમેદવારોને રાજકીય રીતે પાડી દેવા અંગે ચર્ચા હતી. હવે નિલેષ કણસાગરાના નામે બહાર પડેલ લેખિત નિવેદન અને વિડીયોમાં પોતાને ડી.કે. સાથે આવી કોઇ વાતચીત થયાનું ભારપુર્વક નકારી કથિત ઓડીયોને બનાવટી ગણાવવામાં આવેલ છે.

નિલેષ કણસાગરાના નામે આવેલ નિવેદનમાં જણાવાયું છે કે જિલ્લા પંચાયતની ચુંટણીના સમયમાં પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયાના નામે વાયરલ કરેલી ભાજપને પાડી દેવાનો ઓડીયો કલીપમાં અમારે કે ડી.કે. સખીયાને કોઇ લેવા દેવા નથી. અમારા કોઇ હિત શત્રુએ રાજકીય રીતે અમારી પ્રતિષ્ઠાને ખરડવા માટે કાવતરૂ કર્યાનું જણાય છે. મેં પોતે વિડીયો કલીપ બનાવીને આ અંગે સ્પષ્ટતા પણ કરી છે. મારી અને ડી.કે. સખીયા વચ્ચે આવી કોઇ ટેલીફોનિક ચર્ચા-વિચારણા કે વાતચીત થઇ નથી. ડી. કે. સખીયા મિતભાષી છે. કયારે કોઇ પણને તોછડાઇથી બોલાવેલ નથી. તેઓ દરેકને સન્માનથી બોલાવે છે ત્યારે સ્પષ્ટ છે કે આ તેમની વાતચીત નથી.

નિલેશ કણસાગરાએ ઉમેેર્યુ કે, ડી.કે. સખીયા ભાજપના શિસ્તબધ્ધ અગ્રણી છે. તેમણે કયારે પણ પક્ષ વિરોધી કોઇ નિવેદન કર્યા નથી. મારા અને તેમના ભળતા અવાજમાં કોઇએ વાતચીત કરીને અમારા નામે વાયરલ કરેલું છે. મારે કે ડી.કે.સખીયાને આ મામલે કોઇ લેવા  દેવા નથી. આ બારામાં હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા વિચારી રહયો છું.

(11:36 am IST)