સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

કંડલામાં ડીઆરઆઈનો મોટો દરોડોઃ ૨૫૦ કરોડનું કેમિકલ સીઝ

નેપ્‍થાને બદલે ગેસોલિન મંગાવ્‍યું: કેન્‍દ્ર સરકારની સેલ્‍ફ ડેક્‍લેરેશનની છૂટછાટનો ગેરઉપયોગ કરી વ્‍હાઈટ કોલર દાણચોરી, કસ્‍ટમતંત્રની લેબ અને અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૪: દેશમાં આયાતનિકાસ માટેની કેન્‍દ્ર સરકારની છૂટછાટનો લાભ લઈ વ્‍હાઈટ કોલર દાણચોરીના કિસ્‍સાઓ વધી રહ્યા છે. જોકે, કાયદામાં રહેલી પોલનો લાભ લઈ દાણચોરી દ્વારા દેશની તિજોરીને નુકસાન પહોંચાડતા દેશદ્રોહી તત્‍વો સામે કડક કાયદા જરુરી છે.

ડીઆરઆઈ દ્વારા અખાતના દેશોમાંથી કંડલા બંદરે આવેલા ગેસોલિનનો કરોડો રૂપિયાનો જથ્‍થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે આયાતકાર પાર્ટીએ નેપ્‍થા ના નામે મિસ ડેકરેલેશન કરીને ૨૫૦ કરોડ રૂપિયાનો ૨૦ હજાર મેટ્રિક ટન ગેસોલિનનો જથ્‍થો મંગાવી ડ્‍યુટી ચોરી સાથે પ્રતિબંધિત કેમિકલની આયાત કરી છે. ગેસોલિન માત્ર કેન્‍દ્ર સરકાર જ મંગાવી શકે છે. જોકે, આયાતનિકાસના નામે થઈ રહેલ વ્‍હાઈટ કોલર દાણચોરીમાં કસ્‍ટમ લેબોરેટરી અને અધિકારીઓની સાંઠગાંઠ ભૂતકાળમાં અનેકવાર બહાર આવી છે. પણ, કાયદામાં કડકાઈના અભાવે કેન્‍દ્ર સરકારની સેલ્‍ફ ડેકલેરેશન માટેની છૂટછાટ નો ગેરલાભ લેવાઈ રહ્યો છે. દરમ્‍યાન આ આયાતમાં પણ કંડલા લેબમાં ચકાસાયેલ સેમ્‍પલ બાબતે લેબ સ્‍ટાફની ભૂમિકા સામે સવાલો છે.

તો, બીજી બાજુ થોડા સમય પહેલાં જ આ જ રીતે મંગવાયેલ ગેસોલિન નો જથ્‍થો ડીઆરઆઈની રેડની ગંધ આવી જતાં રિ એકસપોર્ટ એટલે કે ફરી પાછો મોકલી દેવાયો હતો. આ વખતે ડીઆરઆઈએ પાડેલ દરોડામાં મુંબઈ સહિત અન્‍ય સ્‍થળોના મોટા માથાઓના નામ આ પ્રકરણમાં ખુલ્લે તેવી શક્‍યતા છે. હજીયે વધુ તપાસ ચાલુ હોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી.

(10:46 am IST)