સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th February 2021

પરપ્રાંતિય નહી પણ ગુજરાતની જ શિકારી ગેંગના વધુ ૧૦ ઝડપાયા

શિકારીઓ સફળ થયા હોત તો ૬ સિંહોના જીવ ગયા હોતઃ સનસનાટી

જંગલમાં જુદા-જુદા છ સ્થળોએ : મોતના ફાંસલા ગોઠવ્યા હતાઃ ૪ કબ્જે બે ફાંસલાની શોધ

વેરાવળઃ તસ્વીરમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે નજરે પડે છે. (તસ્વીરઃ દિપક કકકડ-વેરાવળ)

(વિનુ જોશી) જુનાગઢ તા. ૪ :.. સિંહ શિકારી ગેંગનાં વધુ ૧૦ શખ્સોની ધરપકડ કરી કુલ ૧૪ શખ્સોને આજે વન વિભાગે કોર્ટમાં રજુ કરી રીમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

બાબરીયા રેન્જમાં સિંહ શિકારી ગેંગનો પર્દાફાશ થતા સમગ્ર રાજયનું વન તંત્ર એલર્ટ થયુ છે અને ૧૩ વન ડીવીઝનમાં રેડ એલર્ટ જારી કરવામાં આવેલ છે.

સુત્રાપાડાના પ્રાચી નજીકનાં ખાંભા ગામે રેવન્યુ વિસ્તારમાં ગઇકાલે એક સિંહ બાળ સસલામાં ફસાયુ હોવાની જાણ થતાં વન વિભાગે દોડી જઇ સિંહ બાળનું રેસ્કયુ કરીને તેને સારવાર માટે મોકલી આપ્યુ હતું.

આ અંગેની તપાસમાં ઇજાગ્રસ્ત સિંહ બાળની માતા સિંહણે એક શખ્સ પર હૂમલો કર્યાનું અને આ ઇસમે તાલાલા ખાતે સારવાર હોવાનું જાણવા મળતાં વન વિભાગ અને પોલીસ કાફલો પહોંચે તે પહેલા ઇજાગ્રસ્ત  સાથેની મહીલા સહિતના ૪ શખ્સો નાસી ગયા હતાં.

જો કે આ ચારેયને જુનાગઢનાં વડાલ નજીકથી ઝડપી લેવામાં આવેલ. સિંહણનાં હુમલાથી ઘાયલ થયેલ હબીબ રામશેર પરમાર (ઉ.૪૦) ને વિશેષ સારવાર માટે જુનાગઢ સીવીલમાં ખસેડાયો હતો.

આમ ગીર જંગલમાં સિંહ શિકારી ગેંગ ફરી સક્રિય થઇ હોવાનું જણાતા વરિષ્ઠ વન અધિકારીઓ વગેરે દોડતા થઇ ગયા હતાં.

દરમ્યાન આજે સવારે તપાસનીસ ડીસીએફ સુનીલ બેચ્વાલે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે આ પ્રકરણમાં વધુ ૧૦ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તમામની આકરી પુછપરછ કરવામાં આવી છે.

આ ૧૦ શખ્સો અને વડાલ પાસેથી ઝડપાયેલા ૪ ઇસમો સહીત ધરપકડનો કુલ આંક ૧૪ થયો હોવાનું અને ઝડપાયેલા શખ્સોમાં ત્રણથી વધુ મહીલા હોવાનું જાણવા મળેલ છે.

ડીસીએફ સુનીલ બેચ્વાલે વધુમાં જણાવેલ કે પકડાયેલા તમામ શખ્સોને આજે સરકારી વકીલની સલાહ મુજબ સંબંધીત કોર્ટમાં રજુ કરી તમામને રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

તેઓએ વધુ ૧૦ શખ્સો કયાંથી  કયાંથી ઝડપાયા ? અને પકડાયેલા શખ્સોમાં કેટલી મહિલા છે ? તે અંગે માહિતી આપી નથી પરંતુ ડી.સી.એફ સુનીલ બેરવાલે ભારપૂર્વક જણાવેલ કે આ શખ્સો  પરપ્રાંત નહિ ગુજરાતનાં જ છે અને સુરેન્દ્રનગર જિલ્લાના થાનના હોવાનું જણાવ્યું છે.  આ બારામાં આજે પ્રેસ રીલીઝ જાણ કરીને તમામ માહિતી આપવામાં આવશે તેમ પણે તેઓએ જણાવ્યું હતું.

બીજી તરફ સિંહ શિકારી ગેંગનો પર્દાફાશ થતા સૌરાષ્ટ્રના વહી વિભાગના ૧૩ ડીવીઝનમાં રેડ એલર્ટ કરી જારી કરી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડ, દંગામાં ચેકીંગ શરૂ કરવામાં આવેલ છે. તેમજ દેશી દવા વેંચતા અને શંકાસ્પદ શખ્સોની તલાશ હાથ ધરવામાં આવી છે.

શિકારી ગેંગ દ્વારા જંગલ વિસ્તારમાં છ જગ્યાએ ફાંસલા ગોઠવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થતા વન વિભાગે ચાર ફાંફલાનું લોકેશન મેળવી લઇ તેને નિકાલ કરી દીધો છે અને બાકીના કે ફાંસલા પણ વન વિભાગને મળી ગયા હોવાનું મનાય છે.

નિષ્ણાંતોના કથન મુજબ ફાંસલા માત્ર સસલાને ફસાવવા માટે જ નહિ પરંતુ સિંહ ફસાય તેવા હોવાનું જણાય છે. મોટા ફાંસલા ગોઠવીને સિંહને પકડી તેનો શિકાર કરવાની મુરાદ શિકારી ગેંગની હોવાનું જણાય છે.

દરમ્યાન આ પ્રકરણમાં ઝડપાયેલ વધુ ૧૦ શખ્સોની ધરપકડ કયાંથી કરાઇ તે અંગે સતાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી પરંતુ આ શખ્સો પાલીતાણા નજીકથી ઇકો ગાડીમાં પકડાયા હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગીરમાં સિંહમાં શિકારની ઘટતા ૨૦૦૭નાં વર્ષમાં પ્રકાશમાં આવી હતી. ત્યાર બાદ ૧૪ વર્ષ પછી ફરી સિંહ શિકારની ઘટના સામે આવતા વન વિભાગમાં હડકંપ મચી ગયો છે.

(12:55 pm IST)