સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th February 2021

દાંતીવાડામાંથી મળેલા ૪ હાથીનું પાલન પોષણ જામનગરનું રાધેશ્યામ એલીફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ કરશે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૪: દાંતીવાડામાં બે દિવસ પહેલા કોઇ અજાણ્યા વ્યકિતઓ ૪ હાથીઓને મુકી ગયા હતા. ત્યાર બાદ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં હાથીઓના માલીકોનો  પતો લાગ્યો ન હતો. જેથી હવે આ ચારેય હાથીઓનો જામનગરના રાધેશ્યામ એલીફન્ટ વેલ્ફેર ટ્રસ્ટે કબ્જો સંભાળી લીધો છે. આ ટ્રસ્ટ ચારેય હાથીઓનું પાલન પોષણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં આપણે એવી અજબ ગજબ ઘટનાઓના સાક્ષી બન્યા છીએ કે જેની આપણે સપનામાં પણ કલ્પના ન કરી હોય. આવી જ એક દ્યટના બનાસકાંઠામાં બની છે. અહીં દાંતીવાડાના સાતસણ ગામની સીમમાં મહાવત ફરતા ચાર હાથીને જોઈને લોકોમાં કુતૂહલ ઊભું થયું હતું, પહેલા તો ગામ લોકોને લાગ્યું કે, હાથીઓને સીમમાં ફરતા મૂકી મહાવત કયાંક આસપાસમાં જ ફરતા હશે. પરંતુ, લાંબો સમય સુધી કોઈ હાથીઓની આસપાસ ન દેખાતા, ગામ લોકો ચિંતામાં મૂકાઈ ગયા હતા. તેમને ખાસ તો એ વાતની ચિંતા હતી કે, જો હાથીઓ ગામમાં દ્યૂસી આવશે અને તોફાન મચાવશે તો? આથી ગામ લોકોએ તાત્કાલિક પાંથવાડા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સાતસણ ગામે આવી પહોંચ્યા હતા અને હાથીઓને પોતાના કબજામાં લઈ લીધા હતા. દાંતિવાડા રેન્જના ફોરેસ્ટ ઓફિસર એસએલ પરમારે જણાવ્યું હતું કે, હાથીઓ માટે દ્યાસચારા અને પાણીની વ્યવસ્થા કરી આપી હતી. સાથે જ તેમની આરોગ્ય ચકાસણી પણ હાથ ધરી છે કે, આ હાથીઓને કોઈ બીમારી કે અન્ય તકલીફ તો નથી ને?

આ હાથી અહીં કેવી રીતે આવ્યા, કોણ મૂકી ગયું એ વિશે કોઈને જાણ નથી. આજે સવારે ગામના લોકોએ સીમમાં આ ચાર હાથીઓને ફરતા જોયા હતા. રાજસ્થાનની સરહદે આવેલા આ ગામમાં અચાનક આવી ચડેલા ચાર હાથીઓએ ભારે આશ્ચર્ય સજર્યું છે. રાજયમાં મોટાભાગના હાથીઓ મંદિરો અને ધાર્મિક વડાઓની માલિકીના છે. પરમારે જણાવ્યું કે, હાથીઓને લગ્નમાં અને જાહેર પ્રસંગોમાં ભાડે પણ આપવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં હાલના દિવસોમાં આવો કોઈ કાર્યક્રમ આયોજિત થયો નથી.

(12:50 pm IST)