સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

સુરેન્દ્રનગરના કોરડા ગામમાં મારામારીના ગુન્હામાં ફરાર ભરત કોળી ઝડપાયો

વઢવાણ તા. ૪ : તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, ભૂતકાળના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને અગાઉ દાખલ થયેલા ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામ ખાતે તા. ૧૫.૦૧.૨૦૧૭ ના રોજ થયેલ મારામારીના ગુન્હાનો આરોપી ભરતભાઇ ભુપતભાઇ રોજાસરા કોળી ગુન્હો કર્યા બાદ નાસતો ફરતો હતા અને આ આરોપીની અવારનવાર તપાસ કરવા છતાં મળી આવતો ના હતો અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.

હાલમાં વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝૂબેશના ભાગરૂપે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુડા પી.એસ.આઈ. દશરથસિંહ ઝાલા તથા સ્ટાફના હે.કો. જશુભાઈ, વખતસિંહ, રાજેશભાઈ, સહિતની ટીમ દ્વારા મળેલ ચોક્કસ બાતમી આધારે આરોપીને કોરડા ગામે અચાનક છાપો મારતા, આરોપી ભરતભાઇ ભુપતભાઇ રોજાસરા કોળી ઉવ. ૩૬ રહે. કોરડા તા.ચુડા જી. સુરેન્દ્રનગર ને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી ભરતભાઇ ભુપતભાઇ રોજાસરા કોળી સાતેક માસ પહેલા મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કી બાબતે થયેલ ફાયરિંગ અને ખૂનના ગુન્હામાં પણ વોન્ટેડ નાસતો ફરતો છે. જેથી મૂળી પોલીસને જાણ કરવામાં આવતા, મુળી પોલીસ દ્વારા પણ આરોપીનો કબ્જો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આમ, ચુડા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ચુડા પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં અને મુળી પોલીસ સ્ટેશનના ખૂનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરેલ છે.

(12:34 pm IST)