સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

ડાયાલીસીસના દર્દીઓના લાભાર્થે

મોરબીમાં આયોજીત ભાગવત સપ્તાહમાં રૂ. ૩૫ લાખનું અનુદાન મળ્યું

મોરબી તા. ૪ : મોરબીમાં સેવાભાવી અને સામાજિક સંસ્થાઓના સંયુકત ઉપક્રમે કીડની ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જે સપ્તાહ સફળતાથી પૂર્ણ થઇ છે અને મોરબીમાં દાનની સરવાણી વહેતા ૩૫ લાખની રકમ એકત્ર કરવામાં આવી છે.

સત્કાર્ય સેવા સમિતિ મોરબી, લાયન્સ કલબ ઓફ મોરબી, માતૃભુમી વંદના ટ્રસ્ટ અને બજરંગ ધૂન મંડળ સહિતની સંસ્થાઓ દ્વારા મોરબીમાં કીડની ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે શનાળા રોડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા. ૨૭ થી ૦૨ દરમિયાન યોજાયેલી ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી નીખીલ જોષીએ કથાનું રસપાન કરાવ્યું હતું તેમજ સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીના દર્દીઓને કીડની ડાયાલીસીસ સેવાઓનો લાભ મળી રહે તેવા શુભ આશયથી ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે યોજાયેલી ભાગવત સપ્તાહમાં ધર્મપ્રેમી જનતાએ પણ ઉદાર હાથે દાન કરીને કાર્યને સફળ બનાવ્યું હતું. મોરબીમાં પાંચ મશીન સાથે ડાયાલીસીસ સેન્ટર શરુ કરવાના ઉદેશ્ય સાથે યોજાયેલી સપ્તાહમાં ૩૫ લાખની રકમ એકત્ર કરવામાં આવી હતી જે ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે વાપરવામાં આવશે. ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા લાયન્સ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

(11:24 am IST)