સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

માંડવીમાં મુસ્લિમ યુવાનની હત્યા - લાશને ધાબળામાં વીટીને હત્યા કરનારા ફરાર - પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

કોલ ડીટેઇલ્સના આધારે પોલીસ તપાસનો ધમધમાટ

ભુજ તા. ૪ : માંડવીમાં ૨૪ વર્ષીય યુનેન યાહયા મહમદ ચાકી નામના યુવાનની ધાબળામાં વીટેલી લાશ મળી આવતા આ ઘટનાએ ચકચાર સર્જી છે.

માંડવીના મચ્છીપીઠ વિસ્તારમાં કમાલશાપીરની દરગાહ પાસેથી ધાબળામાં વીટળાયેલ મળી આવેલ લાશની તપાસમાં મૃતક યુવાન યુનેન ચાકીને હત્યારાઓએ ગાલ, છાતી, કમર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું અને ગાળાના ભાગે ૭ ઇંચ જેટલા ઊંડા કાપા મારીને ધડથી માથું અલગ કરવાની નિર્મમ કોશિષ કરી ઠંડા કલેજે હત્યા નીપજાવી હોવાનું જણાઇ રહ્યું છે.

માંડવી પોલીસે કોલ ડીટેઇલ્સના આધારે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન મૃતક યુવાન યુનેને પોતાના ઘેર ફોન કરીને કહ્યું હતું કે, હું મિત્રને ત્યાં લગ્નમાં જઉં છું એટલે મોડુ વહેલું થશે.

હત્યાના કારણોની વધુ તપાસ હાથ ધરતા પોલીસે મૃતદેહને જામનગર ફોરેન્સીક લેબમાં મોકલ્યો છે. જોકે, માંડવી શહેરમાં થતી ચર્ચા અનુસાર પ્રેમ પ્રકરણ આ હત્યા પાછળ હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

(11:18 am IST)