સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

વાંકાનેર શ્રી ગોવર્ધનનાથજી-શ્રી બાલકૃષ્ણલાલજી હવેલીમાં પાઠાશાળાનો વાર્ષિક ઉત્સવ

વાંકાનેરઃ શ્રી ગોવર્ધન નાથજી તથા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલીમાં પુષ્ટી સંસ્કાર પાઠશાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. પ.પા.ગો.શ્રી કિશોરચંદ્ર મહારાજશ્રી જુનાગઢના આર્શીવાદ તથા ગો.શ્રી પીયુષકુમાર મહોદયશ્રીની પ્રેરણા સાથે વાંકાનેરની હવેલીમાં પુષ્ટી સંસ્કાર પાઠશાળા ચાલે છે જેમાં વૈષ્ણવ સમાજના બાળકો દર રવિવારે સવારે ૧૦ થી ૧ર પુષ્ટી માર્ગના સિધ્ધાંતો સંસ્કારનું સિંચન કરે છે. વૈષ્ણવ બાળકોને ચતુર્થ શ્લોકી, ષોડષગ્રંથના મંગલાચરણ, કૃષ્ણાશ્રય, યમુનાષ્ટક સહિતનું ધાર્મિક જ્ઞાન રી સંકેતભાઇ મહેતા, ચંદ્રીકાબેન એચ. કાગડા, ભાવનાબેન કાગડા, ચંદ્રીકાબેન હરેશભાઇ કંસારા દ્વારા દર રવિવારે આપવામાં આવે છે. હવેલીના મધ્યસ્થ હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પાઠશાળાના બાળકોમાં શ્રીનાથજીનું સ્વરૃપ કેવલ નિલેશભાઇ ચંદારાણા દ્વારા વેશભુષામાં રજુ થયેલ. જયારે પાઠશાળાના અન્ય બાળકો પણ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી હવેલીએ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ બાળકોએ મ્યુઝીકના સથવારે 'ખમ્મા ધણી ખમ્મા ધણી મારા શ્રીજી બાવાને ઘણી ખમ્મા' શ્રી ગીરીરાજ પધાર્યા, મજા પડી ભાઇ મજા પડી પાઠશાળામાં મજા પડી સહિતના ગીતો ઉપર પાઠશાળાના નાના-નાના બાળકોએ ખુબ સરસ રીતે રાસ-ગમ્મત રજુ કર્યા હતા તેમજ શ્રી ગુંસાઇજી વિશે પણ બાળકોએ સુંદર વકતવ્ય રજુ કર્યા હતા. વાર્ષિક ઉત્સવને સફળ બનાવવા જયદીપ ભીંડોરા, કૌશિકભાઇ કાગડા, સંકેતભાઇ મહેતા, જીજ્ઞેશભાઇ મજીઠીયા વિગેરેએ સેવા આપેલ હતી. શ્રી ગોવર્ધન નાથજી તથા શ્રી બાલકૃષ્ણલાલજી હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબા, ઉપપ્રમુખ રાજેશભાઇ પુજારા, કિશોરભાઇ પુજારા સહિતના ટ્રસ્ટીઓ બાળકોના વાલીઓ, હસુભાઇ પારેખ, કનાભાઇ કંસારા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. હવેલીના મુખ્યાજી પ્રેમજીભાઇ તથા મુખ્યાણી જયાબેનના હસ્તે પાઠશાળાના તમામ બાળકોને ભેટ અને આર્શીવાદ આપ્યા હતા. પ્રમુખશ્રીએ તમામ વૈષ્ણવોને વિનંતી સાથે તમારા બાળકોને દર રવિવારે બે કલાક માટે અહી પાઠશાળામાં જ્ઞાન પ્રાપ્તી માટે મોકલવા આહવાન કરેલ. કાર્યક્રમનું સુંદર સંચાલન હવેલીના ટ્રસ્ટી અને પાઠશાળાના પાયાના પથ્થર એવા મુકેશભાઇ મહેતાએ કર્યુ હતુ.(તસ્વીર-અહેવાલઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

(9:37 am IST)