સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

ભુજ માતૃછાયા સ્કુલની છાત્રાઓએ હાથ-પગમાં બ્લેડથી કાપા પાડયા ખળભળાટ

''બ્લુ વ્હેલ'' જેવી ગેઇમ કે કોઇ વિડીયો ગેઇમનો ક્રેઝ? વાલીઓમાં ચિંતાઃ દશેક વિદ્યાર્થીનીઓએ કાપા મારતા સ્કૂલ પ્રશાસન પણ ચિંતીત

ભુજ તા. ૩: ભુજની માતૃછાયા સ્કૂલની ધોરણ ૯ અને ૧૦ માં ભણતી ટીનેજર વિદ્યાર્થીનીઓએ હાથ અને પગમાં બ્લેડ વડે કાપા મારતાં ચકચાર મચી ગઇ છે.

વર્ગ ખંડમાં ભણાવતાં શિક્ષિકાએ ગઇકાલે એક વિદ્યાર્થીનીનાં હાથમાં મોં બ્લેડ વડે પડેલા કાપાઓ જોતા આ વિદ્યાર્થીનીએ વધુ પૂછપરછમાં પગ ઉપર પડેલા કાપા પણ દર્શાવ્યા હતા.

જોકે, આ દરમિયાન વર્ગખંડમાં ઉહાપોહ સાથે અન્ય વિદ્યાર્થીનીઓએ શિક્ષિકાનું ધ્યાન દોયું હતું કે, હજી આઠથી દસ જેટલી છોકરીઓનાં હાથ અને પગમાં બ્લેડ વડે કાપા કરાયેલા નિશાન છે.

ચોંકી ઉઠેલા શિક્ષિકાએ આચાર્યા બહેનનું ધ્યાન દોર્યુ હતુ ત્યારબાદ વાલીઓને બોલાવાયા હતા.

જો કે પોતાની દીકરીઓ એ હાથ પગમાં બ્લેડના પાડેલા કાપાથી વાલીઓ પણ અજાણ હતા. દરમિાયન આ કાપા પાછળનું કારણ બ્લૂવ્હેલ જેવી કોઇ ગમે છે કે નહિ તે અંગે શિક્ષિકા બહેનો અને વાલીઓએ પુછપરછ કરી હતી. પણ વિદ્યાર્થીનીઓએ વધુ કંઇ જણાવ્યું નહોતું.

તેમજ બ્લેડ વડે કાપા મારવાનો કારણનો પણ આ છાત્રાઓ ખુલાસો કરવામાં નિષ્ફળ રહી હતી.

ભૂજની માતૃછાયા સ્કુલમાં બે હજાર જેટલી કન્યાઓ અભ્યાસ કરે છે તે કચ્છની શ્રેષ્ઠ સ્કુલ પૈકીની એક ગણાય છે.

દરમિયાન મીડીયાએ શાળા પ્રશાસનને પુછપરછ કરી તો શાળાના ટ્રસ્ટીઓ કે સ્ટાફ શિક્ષકોએ કંઇપણ સત્તાવાર માહિતી આપી નહોતી. જો કે વિદ્યાર્થીની ઓએ હાથ-પગ ઉપર બ્લેડ વડે કાપા પાડયા હોવાની હકીકત કબુલી હતી.

(3:51 pm IST)