સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

અમરેલી જિલ્લામાં ૪.૦૫૭ લાખ કિવન્ટલ મગફળી ટેકાના ભાવે ખરીદીઃ કલેકટર

અમરેલી તા. ૩ : અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૮ ખરીદ કેન્દ્રોમાં ૨૦,૦૮૩ ખેડૂતોની ૪.૦૫૭ લાખ કિવન્ટલ મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને રૂ.૧૨૬ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેકટર એસ.એલ. અમરાણીએ ખેતીવાડી વિભાગના ખરીદ કેન્દ્રોની માહિતી અનુસાર જણાવ્યું હતુ.

કેટલાક કેન્દ્રોમાં ખરીદી માટે સ્થાનિક મંડળીઓ તેમજ ખાનગી ગોડાઉન પણ ભાડે રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૩૦ જેટલા ગોડાઉન (ભાવનગર, બોટાદ જિલ્લા સહિત) તેમજ ૨.૩૦ લાખ કિવન્ટલ મગફળીના સંગ્રહ માટેના ગોડાઉન નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ખરીદ થયેલી મગફળીને સુરક્ષિત રીતે સંગ્રહ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી વધુને વધુ મગફળીની ખરીદી કરી ખેડૂતોને રાહત આપી શકાય.

ગુજકોમાસોલ, ગુજકોટ અને ગુજપ્રો દ્વારા આ ગોડાઉન તાત્કાલિક ભાડે રાખી મગફળી ઉત્પાદક ખેડૂતોની મગફળી સરકાર દ્વારા નક્કી કરાયેલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે.

આ અંગેની યોજાયેલ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા રજીસ્ટ્રારશ્રી તેમજ ગુજકોમાસોલ, ગુજકોટ, ગુજપ્રો અને વેરહાઉસીંગના પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમ કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(12:44 pm IST)