સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

સાવરકુંડલામાં પૂ. મોરારીબાપુની કથાના આયોજન માટે આગેવાનોની મિટીંગ મળી

૩ ફેબ્રુઆરીથી યોજાનાર કથાની પૂર્વ તૈયારી માટે સમાજ શ્રેષ્ઠીઓએ ચર્ચા કરી

સાવરકુંડલા, તા. ૩ :. સાવરકુંડલા ખાતે વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ચલાવાઈ રહ્યુ છે. આ આરોગ્ય મંદિરમાં દર્દીનારાયણને સામાન્યથી લઈ સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સારવાર આપવામાં આવશે. ઉપરાંત દર્દીને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. દર્દી અને સાથેના સગા-સંબંધી માટે ભોજનાલય પણ ચાલી રહ્યુ છે.

વિદ્યાગુર ફાઉન્ડેશનના વ્યવસ્થાપકો દ્વારા હાલ ચાલી રહેલા આરોગ્ય મંદિરમાં હજુ પણ નવા વિભાગો ચાલુ કરી શહેર અને તાલુકાની જનતા માટે નિઃશુલ્ક સેવા વિસ્તારવાની યોજનાની જાણ પૂ. મોરારીબાપુને થતા બાપુએ આરોગ્ય મંદિર માટે પોતાની કથા આપવાની જાહેરાત કરેલ. જે તા. ૩ ફેબ્રુઆરીથી તા.૧૧ ફેબ્રુઆરી દરમિયાન સાવરકુંડલા ખાતે યોજાશે.

મહુવા રોડ ઉપર યોજાઈ રહેલ કથાના આયોજન અને વ્યવસ્થા માટે આયોજકો દ્વારા શહેરના તમામ સમાજના આગેવાનો - સેવાભાવી યુવક મંડળો - સ્થાનિક સંસ્થાઓ - કાર્યકરો વગેરે સાથે સૂચક કન્યા છાત્રાલય ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરના તમામ સમાજના લોકો - સેવાભાવી સ્વયંસેવકો હાજર રહ્યા હતા.

સ્વામિનારાયણ ગુરૂકુળના સંત પૂ. ભગવત સ્વામિના વડપણ હેઠળ આરોગ્ય મંદિરના પ્રમુખ હરેશભાઈ મહેતા, ઉપપ્રમુખ ડો. માનસતા સહિત ટ્રસ્ટીઓ અને પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ, યાર્ડના ચેરમેન બાબુભાઈ પાટીદાર, સૂચક છાત્રાલયના મેને. ટ્રસ્ટી કનુભાઈ સૂચક, બાઘાભાઈ સૂચક વગેરેએ કથા દરમ્યાન શહેરીજનો પાસે સાથ સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. સાવરકુંડલા શહેર અને તાલુકાની જનતા માટે નિઃશુલ્ક ચાલતી હોસ્પીટલ માટે સહકારની અપેક્ષા વ્યકત થતા ઉપસ્થિત તમામ આગેવાનોએ તન-મન-ધનથી સહકાર આપવાની ખાત્રી આપી હતી અને મિટીંગમાં જ દાનનો પ્રવાહ વહેતો થતા દાતાશ્રીઓ દ્વારા પોતાના સ્વજનોના સ્મરણાર્થે રૂ. એક એક લાખની નીધી જાહેર કરવામાં આવી હતી. સમગ્ર મીટીંગનું સંચાલન-આયોજન સ્થાનિક ટ્રસ્ટી ભરતભાઈ જોષીએ કર્યુ હતું.

(11:21 am IST)