સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

જેતપુરની ઝુરીચ સ્ક્રીન પ્રિન્ટર્સની માલની નુકશાની માટેના ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની સામેના ત્રણ કેસો રદ્દ કરતી રાજકોટ ગ્રાહક અદાલત

રાજકોટ, તા. ૩ : જેતપુર મુકામે આવેલ ઝુરીચ સ્ક્રીન પ્રિન્ટર્સ તરફથી ૨૦૧૫માં આવેલ વરસાદને કારણે માલને નુકશાન થયેલ અને તેથી ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની સામે ૩ જુદી - જુદી ફરીયાદો દાખલ કરીને વળતર મેળવવા માટે ફરીયાદો રાજકોટ કન્ઝયુમર ફોરમમાં દાખલ કરેલ અને જે તમામ ફરીયાદો કન્ઝયુમર ફોરમને જ્યુરીડીકશન નથી તેવા કારણોસર રદ્દ થયેલ છે.

આ કામની વિગત એવી છે કે જેતપુરની ઝૂરીચ સ્ક્રીન પ્રિન્ટર્સના માલિક ગીરીશભાઈ રૈયાણીએ એવા મતલબની ત્રણ ફરીયાદો રાજકોટ કન્ઝયુમર ફોરમમાં દાખલ કરેલ કે જેતપુરમાં ભાદર નદીના કાંઠે તેઓનું કારખાનુ છે અને તેમાં કાપડ પર પ્રિન્ટીંગ, ફિનીશીંગ, સ્ક્રીન પ્રિન્ટીંગ વગેરેનું જોબવર્ક થાય છે અને જુદી જુદી પેઢીઓના, જુદા જુદા પ્રકારના કાપડનો માલ જોબ વર્ક માટે આવતો હોય છે અને આવા કામ માટે ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી ફાયર એન્ડ સ્પેશ્યલ પેરીલ્સ પોલીસીઓ લીધેલ હતી. સને ૨૦૧૫માં આવેલ વરસાદને કારણે કારખાનામાં પડેલ માલ બગડી ગયેલ હતો. ત્યારબાદ વિમા કંપનીએ સર્વેયર પાસે એસેસમેન્ટ કરાવેલ અને ફરીયાદીના ત્રણે જુદા જુદા કલેઈમ સામે બહુ મામુલી વળતર આપેલ હતું. યુનિટ પાર્ટ - ૧માં રૂ. ૧૫,૮૨,૭૫૯નો કલેઈમ કરેલ હતો જે સામે વિમા કંપનીએ રૂ. ૮૮,૦૦૦ મંજૂર કરેલ હતા. યુનિટ પાર્ટ-૨માં રૂ. ૧,૪૭, ૮૫૨નો કલેઈમ કરેલ હતો. જે સામે વિમા કંપનીએ રૂ.૧૦,૦૪૦ મંજૂર કરેલ હતા. આમ સર્વેયરે બુકસ ઓફ એકાઉન્ટ વગેરે ધ્યાનમાં ન લીધા અને ઓછુ એસેસમેન્ટ કરેલ હતંુ.

વધુમાં ફરીયાદીએ કાજલ એન્ટરપ્રાઈઝ કે જે ઝુરીચ સ્ક્રીન પ્રિન્ટર્સની ભગીની પેઢી છે તેમના કાજલબેન રૈયાણીનું એફીડેવિટ રજૂ કરેલ છે તેમજ એકાઉન્ટન્ટ વિજયભાઈ જેઠવાનું પણ એફીડેવિટ રજૂ કરેલ છે અને એવી રજૂઆત કરેલ કે મે. કાજલ એન્ટરપ્રાઈઝના બુકસ ઓફ એકાઉન્ટમાં કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરતા સમયે થયેલ તકનીકી ક્ષતિના કારણે ૫૧૫૧૫ મીટર કાપડનો સ્ટોક કલોઝીંગ સ્ટોકમાં દર્શાવવાનું રહી ગયુ છે. આમ ફરીયાદી સર્વેયરના સર્વે રીપોર્ટ સામે વાંધો ઉઠાવેલ હતો સર્વેયરે બરોબર એસેસમેન્ટ કરેલ નથી અને સર્વે રીપોર્ટ ભુલ ભરેલો છે.

રાજકોટ ડિસ્ટ્રીકટ કન્ઝયુમર ફોરમના ન્યાયધીશ શ્રી એમ. વી. ગોહેલ દ્વારા વિમા કંપનીની રજૂઆત માન્ય રાખીને બધી ફરીયાદો રદ્દ કરવામાં આવેલ છે અને ફરીયાદીને જો જવુ હોય તો દિવાની અદાલત કે અન્ય ફોરમમાં જઈ શકે છે.

આ કામે સામાવાળા ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડ વતી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી નરેશભાઈ એમ. સીનરોજો તથા તેમની સાથે ચિરાગ જી. છગ એડવોકેટ અને સીમાબેન મહેતા એડવોકેટ રોકાયેલ હતા.

(11:20 am IST)