સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

જુનાગઢ જિલ્લા માહિતી કચેરીના હિમાંશુ જોષીને વિદાયમાન

 જુનાગઢ : જૂનાગઢ જીલ્લા માહિતી કચેરીમાં ૩૫ વર્ષથી સેવા બજાવતા કર્મચારી હિમાંશુભાઇ જોશી સેવામાંથી નિવૃત થતા માહિતી પરિવારના કર્મચારીઓ દ્વારા શ્રી જોશીને વિદાયમાન અપાયું હતું. માહિતીખાતાના કર્મચારીઓએ ભાવુક થઇને નોકરીના સંભારણા વાગોળી શ્રી જોશીનું બાકીનું જીવન આરોગ્યપ્રદ અને નિરોગી-સુખી રહે તેવી શુભેચ્છા આપી હતી.સરકારી સેવામાં દિર્દ્યકાલીન સેવાઓ બાદ સેવાનિવૃત થવુ એટલે એક બન્યા બનેલા કુટૂબથી વિમુકત થવુ, આવી જ વસમી વેળા જિલ્લા માહિતી કચેરીનાં મધ્યસ્થ ખંડમાં નાયબ માહિતી નિયામકશ્રી રાજુભાઇ જાનીનાં અધ્યક્ષીય સ્થાને કચેરીનાં કર્મશીલ હિમાંશુભાઇ જોષીનાં વિદાય સમારોહ વેળાએ કહયું કે શ્રી હિમાંશુભાઇને તેઓ તેમને હંમેશા જોશીદાદાથી બોલાવતા અને તેમના પ્રત્યે આદર છે. પરીવારમાંથી જેમ એક સભ્ય જતા હોય તેવી લાગણી વ્યકત કરી તેમની સેવા હંમેશા યાદ રહેશે તેમ જણાવી ભાવુક થઇને શુભેચ્છા આપી હતી. નિવૃત થયેલા શ્રી જોશી ૧૯૮૩માં ગ્રામ્ય પ્રસારણ શાખામાં વર્ગ-૪ના કર્મચારી તરીકે જોડાયા હતા.તે વખતના સંસ્મરણો વાગોળતા સીનીયર સબએડીટર અશ્વિન પટેલે કહયું કે શ્રી જોશીભાઇએ તે સમયે ફિલ્ડની પણ કામગીરી સારી રીતે બજાવી હતી. કચેરીના અધિક્ષક શ્રી ગઢીયાએ હિમાંશુભાઇએ કચેરીની તેમની ફરજમાં આવતી ઉપરાંતની પણ કામગીરી પણ કરી છે તેમ જણાવ્યું હતું. ભેસાણ તાલુકાનાં રાણપુર ગામે એક શિક્ષક પરિવારનાં પુત્ર હિમાંશુભાઇએ માહિતી ખાતાની ફરજ દરમ્યાન વિવિધ કામોની સાથે સરકારી તિજોરી કચેરીની કામગીરીમાં નિષ્ણાત થઈ પગ મૂકતા, એક તરવરીયો યુવાન વતનથી પર, અટુલો ને કુટુમ્બ પ્રેમથી લથપથ એ એક કર્મયોગી એક જ ખેવના, ખુમારીનું બીજું નામ એટલે આ ભાઈશ્રી હિમાંશુભાઇ..પરિશ્રમ, હિંમત અને પ્રેમના સમન્વયે તેમણે તેમની જીવન ખુમારીને ઉજાળી છે. આવી વાત માહીતી પરિવારનાં સભ્યો અશોકભાઇ સવસાણી, હબીબભાઇ પઠાણ, આસીફભાઇ શેખે ઉચ્ચારી હતી. નોકરીનાં પ્રારંભકાળે રાજય સરકારનાં રૂરલ બ્રોડકાસ્ટ વિભાગમાં સેવા દરમ્યાન નાયબ કાર્યપાલક ઈજનેર ધીરૂભાઇ ભાડજાએ શ્રી જોષીની કર્તવ્યનીષ્ઠાને બીરદાવતા જણાવ્યુ હતુ કે ફિલ્ડની કામગીરીમાં સમયપાલન અને ચોક્કસાઇ હિમાંશુભાઇનુ દષ્ટ્રાંતરુપ પ્રેરણા પાસુ છે. શ્રીજોશીને સંભારણાના ભાગરૂપે મોમેન્ટો અને શ્રીફળ-સાકર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે માહિતી મદદનીશ શ્રી નરેશ મહેતા, ટેકનીકલ આસીસ્ટન્ટ નિલેશભાઇ વાઘેલા,જુનીયર કલાર્ક ભાલચંદ્ર વિજુંડા,સારથી શ્રી બીપીનભાઇ જોશી, હનીફભાઇ બારેજીયા, સહાયક ધીરૂભાઇ વાજા અને રૂકસાનાબેન કુરેશી તેમજ ખાણ ખનીજ વિભાગના હરેશભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(9:18 am IST)