સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

ભુજના વડઝરમાં સરપંચ પુત્રના લગ્નમાં ગીતા રબારીના સુરે સેંકડો લોકો ગરબે ધુમ્યા :કોરોના નિયમોના ધજાગરા

સેંકડો લોકો રાસ-ગરબે ઘુમતાં હોવાની વિડિયો ક્લિપ વાયરલ: લગ્ન માટેની મંજૂરી લેનારાં આયોજક સહિતના જવાબદાર લોકો સામે ફોજદારી ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડાનો આદેશ

ભુજઃ કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરીને ભુજ તાલુકાના વડઝર ગામના સરપંચના પુત્રના લગ્નમાં લોકગાયિકા ગીતા રબારીના સૂરોના સથવારે સેંકડો લોકો રાસ-ગરબે ઘુમતાં હોવાની વિડિયો ક્લિપ વાયરલ થતાં પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે

બનાવને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘે તપાસ કરી લગ્ન માટેની મંજૂરી લેનારાં આયોજક સહિતના જવાબદાર લોકો સામે ફોજદારી ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. બીજી તરફ, મામલાને હળવો કરી દેવા ભાજપનો એક નેતા ભારે ધમપછાડા કરતો હોવાનું પણ ચર્ચાય છે.

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ 30મી નવેમ્બર સોમવારની રાત્રે વડઝરના સરપંચ પૃથ્વીરાજસિંહ સોઢાના પુત્રના લગ્ન નિમિત્તે ગીતા રબારીના સૂરોના સથવારે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અગણિત લોકો ગરબે ઘુમ્યાં હતા. ક્લિપમાં ગીતા રબારી પર પૈસાનો વરસાદ થતો પણ દેખાય છે. માનકૂવા પોલીસ ઈન્સ્પેક્ટર કે.બી.વિહોલે જણાવ્યું કે બનાવની પ્રાથમિક તપાસ બાદ અમે જવાબદાર લોકો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ લગ્નપ્રસંગમાં ખુદ માનકૂવાના જવાબદાર ખાખીધારીઓ પણ મહાલ્યાં હતા! વોટસએપ પર વિડિયો વાયરલ થતાં બધી પોલ ખુલી ગઈ બાકી તો મામલો અંદર ને અંદર જ દબાઈ ગયો હોત! જો કે, માનકૂવા પીઆઈ કે.બી. વિહોલે જણાવ્યું કે કાર્યક્રમમાં માનકૂવા પોલીસ મથકના કોઈ કર્મચારી ગયા નહોતા. શક્ય છે કે આયોજકના કોઈ સગા-સંબંધી પોલીસ કર્મચારી હોય અને તે સામાજીક રીતે હાજરી આપવા આવ્યા હોય

(11:25 pm IST)