સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

ચંદીગઢ પાટીયાની પાસે બે બાઇક સામ સામે ટકરાયા

યુવાન અને સગીર ચાલકનાં મોત : કેશોદના હાંડલા ગામનો રહેવાસી અકસ્માતનો ભોગ બન્યો

જૂનાગઢ,તા.૩ :  કેશોદ પાસે ગઈ કાલે રાત્રે બે બાઈક સામસામે અથડાતા બન્ને બાઈક ચાલકના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા છે. જેમા એક ચાલક ઉદય કારેશા ૧૬ વર્ષનો છે હતો જ્યારે અન્ય ચાલક વાસીમ અલી દલ ૧૮ વર્ષનો હતો. જ્યારે, વાસીમ અલી દલની બાઈકની પાછળ બેઠેલા યુવાનોનો આબાદ બચાવ થયો હતો. જાણવા મળતી વીગત મુજબ, કેશોદના હાંડલા ગામનો રહેવાસી મૃતક ઉદય કારેથા કેશોદ પોતાનુ કામ પતાવી હાંડલા તરફ જતો હતો. ત્યાં ચંદીગઢના પાટીયા પાસે વાસીમ અલી દલની બાઈક સાથે ધડાકાભેર અથડાતા બન્ને રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. જે બાદ બન્નેના ઘટના સ્થળે મોત થયા હતા. ત્યારે વાસીમ અલી દલની બાઈક પાછળ બેઠેલા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, બન્ને બાઈક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને બાઈકનું પડીકુ વળી ગયુ હતુ. અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.

              ત્યાર બાદ ૧૦૮ને જાણ કરતા તાત્કાલિક ૧૦૮ સ્થળ પર પહોંચી બન્નેના મૃતદેહને કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મૃતક ઉદયની ઉંમર ૧૬ હતી ત્યારે વાસીમ અલી દલની ઉંમર ૧૮ વર્ષ હતી. મૃતક ઉદય કેશોદ તાલુકાના હાંડલા ગામનો છે અને તેના પરિવારમા એકનો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બન્ને પરીવારમા શોકનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ જોવા જઈએ તો બાઈકની સ્પીડ પણ કેટલી હશે કે, આવો ગમખ્વાર અકસ્માત સર્જાયો અને આશાસ્પદ એક સગીર અને એક યુવાને જીવ ગુમાવ્યો છે.

(7:16 pm IST)