સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

ઉદ્યોગપતિના વેવાઇ સામે પણ ગુન્હો : ભાણવડના સણખલામાં હેલીકોપ્ટરમાં જાન ગઇ'તી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૩ : ખંભાળીયાના મોવાણ ગામે ઉદ્યોગપતિ ભીખુ ભીમશી ગોજીયાના પુત્ર નિર્મલના લગ્ન પ્રસંગમાં યોજાયેલ ગીતા રબારીના ડાંડીયારાસમાં મોટી સંખ્યામાં મેદની એકત્રીત કરતા ખંભાળીયા પોલીસે ગઇકાલે ઉદ્યોગપતિ ભીખુ ગોજીયા વિરૂદ્ધ કોરોના સંક્રમણ ફેલાવવા અને કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બાબતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જો કે બે દિવસ પહેલા ઉદ્યોગપતિના પુત્રની જાન ભાણવડ તાલુકાના સણખલા ગામે હેલીકોપ્ટરમાં ગઇ હતી.

ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં તેમના વેવાઇ ખીમા ભાયા કરમુર વિરૂદ્ધ પણ ભાણવડ પોલીસે ગુનો નોંધ્યો હતો. દેશ આખો કોરોના સામેની લડાઇ લડી રહ્યો છે અને આ સંક્રમણ વધુ વકરે નહીં તે માટે સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં ૧૦૦ વ્યકિતઓને જ હાજર રાખવા મંજૂરી આપવા અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યા હોવા છતાં ખંભાળીયાના નવી મોવાણ ગામે ઉદ્યોગપતિ ભીખુ ખીમશી ગોજીયાએ તેમના પુત્ર નિર્મલના લગ્ન પ્રસંગે રિસેપ્સશ રાખેલ હતું તેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ગીતા રબારીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ચલણી નોટો વરસાદ કરવાની સાથે મોટી સંખ્યામાં જનમેદની એકત્રીત થતાં કોરોના વિસ્ફોટ થાય તેવી પ્રબળ સંભાવના જોવા મળી હતી. આ વિડીયો વાયરલ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓના આદેશથી ખંભાળીયા પોલીસે ઉદ્યોગપતિ ભીખુ ભીમશી ગોજીયા વિરૂદ્ધ આઇપીસી કલમ ૧૮૮, ર૬૯ સહિતની પેટા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

જાન ભાણવડના સણખલા ગામે હેલીકોપ્ટરમાં ગઇ હતી આથી ગામમાં પહેલી વખત હેલીકોપ્ટર આવતા લોકો મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતાં અને લગ્નમાં ૧૦૦થી વધુ લોકો હાજર રહેતા ભાણવડ પોલીસે ઉદ્યોગપતિના વેવાઇ ખીમા ભાયા કરમુર વિરૂદ્ધ પણ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ બનાવ સમગ્ર દ્વારા જિલ્લામાં ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે.

(12:48 pm IST)