સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

ગોંડલના હડમતાળામાં ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતા પ્રવિણભાઈ વાળા ઉપર હુમલો

જાતિ પ્રત્યે અપમાનીત કરી ૬ શખ્સો લાકડીના ધોકા સાથે તૂટી પડતા પોલીસમાં ફરીયાદ : શાપર-વેરાવળમાં ઘર પાસે રીક્ષા પાર્ક કરવા પ્રશ્ને કમલેશભાઈ પંડયા તથા તેના પરિવાર ઉપર પાઈપથી હુમલો

રાજકોટ, તા. ૩ :. ગોંડલના હડમતાળા ગામે ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતા દલીત આધેડ ઉપર ૬ શખ્સોએ લાકડીના ધોકાથી હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનીત કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

મળતી વિગતો મુજબ હડમતાળા ગામે રહેતા પ્રવિણભાઈ હમીરભાઈ વાળા (ઉ.વ. ૪૨) ઉપર તે જ ગામના અનવર ગફારભાઈ પતાણી, ઈલીયાસ ઓસ્માણભાઈ પતાણી, જાવેદ ઈલીયાસભાઈ, અનિશ ઈલીયાસભાઈ, ગફાર ઉંમરભાઈ પતાણી તથા સલીમ ગફારભાઈ પતાણીએ ગેરકાયદે મંડળી રચી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ વચ્ચે પડેલ સાહેદને પણ માર માર્યો હતો. ઉકત ૬ શખ્સોએ ફરીયાદી અનુજાતિના હોવાનું જાણવા છતા જાહેરમાં ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતા શબ્દો કહી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત પ્રવિણભાઈએ આરોપી ઈલીયાસને હાથ ઉછીના રૂપિયા આપેલ હોય તેની ઉઘરાણી કરતા સારૂ નહીં લાગતા ઈલીયાસ સહિતના ૬ શખ્સોએ હુમલો કર્યો હતો.

આ અંગે પ્રવિણભાઈની ફરીયાદ ઉપરથી તાલુકા પોલીસે ઉકત ૬ શખ્સો સામે રાયોટ અને એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ ડીવાયએસપી પી.એસ. ગોસ્વામી ચલાવી રહ્યા છે.

બીજા બનાવમાં શાપર-વેરાવળમાં રાધેશ્યામ સોસાયટીમાં ઘર પાસે રીક્ષા પાર્ક કરવા પ્રશ્ને થયેલ ઝઘડામાં કમલેશભાઇ શામજીભાઇ પંડયા, કમલેશભાઇના પત્ની મધુબેન, તથા પુત્ર કરણ ઉપર ત્યાં જ રહેતા સાગર, સાગરના મામી તથા સાગરની બહેને પાઇપથી હુમલો કર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે ઇજાગ્રસ્ત કમલેશભાઇની ફરીયાદ ઉપરથી શાપર-વેરાવળ પોલીસે ઉકત ત્રણેય શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડ કો. એન.એ. ચૌહાણ ચલાવી રહ્યા છે.

(11:27 am IST)