સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

મુળી અને થાન તાલુકામાં બે કરોડના વિસ્ફોટકો માત્ર એક મહિનામાં વપરાય છે

ઝાલાવાડ પંથકમાં ૩ થી ૪ મહીના સુધી થતું ખનીજનું ખનનઃ વાંકાનેરથી વિસ્ફોટકો સપ્લાય થતા હોવાની ચર્ચાઃ ખનીજના કેસ થાય છે, વિસ્ફોટકોના નહીં, ૩ કી.મી દૂર અવાજ સંભળાય છેઃ ૬૦૦ ફૂટ દૂર પથ્થરો ફેંકાય છેઃ અનેક રજૂઆતો છતાં ગેરકાયદે ખનીજ ચોરી સામે તંત્ર મૌન

વઢવાણ, તા.૩: મૂળી અને થાન વિસ્તારમાં કાર્બોસેલ અને ખાણોમાં ગેરકાયદેસર રીતે ભડાકા કરીને ખાણોમાંથી કાર્બોસેલ કાઢવામાં આવી રહ્યો છે. ભડાકા ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યા છે આમ છતાં પણ તંત્ર પાંગળુ સાબિત થઇ રહ્યું છે ત્યારે ખાણોમાં ફોડવામાં આવતા ટેટા જે ગેરકાયદેસર છે અને ટોટા વેચનાર અને લેનાર અને ટોટા ફોડનાર તમામ ગુના ના સકંજામાં સપડાયેલા ગણાય આમ છતાં પણ આ લોકો ઉપર કામગીરી હાથ ધરવામાં આવતી નથી અને જિલ્લામાં ગેરકાયદેસર ખાણો મોટી માત્રામાં ધમધમી રહી છે. મૂડી અને થાન તાલુકામાં જમીન એટલી માત્રામાં ખોડાઈ ગઈ છે કે જેનો કોઈ અંદાજ જ આવી શકે તેમ નથી.ં

રાજકીય લોકોને મોટી માત્રામાં સંડોવણી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે

થાન,મૂળી કુદરતી ભુગર્ભ સંપત્ત્િ।નો અખૂટ ખજાનો ધરાવતા થાન, મૂળી, સાયલા સહિતના પંથકના ગામોમાં કાર્બેસેલ સહિતના ખનીજની બેરોકટોક ચોરી થઇ રહી છે. ત્યારે ખનીજના ખાડા કરવા માટે સૌથી પહેલી વિસ્ફોટક સામાનની જરૂર પડે છે. અને આથી જ બંને પંથકમાં મહિને અંદાજે રૂ.૨ કરોડથી વધુનો વિસ્ફોટક સામાનનો વેપલો ચાલી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. ઝાલાવડમાં ૩થી ૪ મહિના સુધી ખનનની સિઝન ચાલતી હોવાથી ભૂમાફિયાઓ દ્વારા માત્ર ૪૦ થી ૫૦ રૂપિયામાં તૈયાર થતાં વિસ્ફોટ ટોટાનું રૂ.૧૨૦ થી ૧૫૦ સુધી ખરીદી  ખનન કરતાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

થાન, મૂળી અને સાયલા પંથકના ગામોમાં કાર્બોસેલ સહિતનું ખનીજ બહાર કાઢવા માટે અંદાજે ૧૬૦ ફુંટ ઉંડા ખાડા બનાવવાની સૌથી પહેલી જરૂર પડે છે. વિસ્ફોટક સામાન વગર તે શકય જ નથી. આથી ખાણીયા રાજાઓને ગરજ હોવાથી રૂ.૪૦ થી રૂ.૫૦માં તૈયાર થતો એક ટોટો રૂ.૧૨૫ થી રૂ.૧૫૦ માં વેચવામાં આવે છે. એક ખાડો કરવામાં રૂ.૨.૫૦ લાખની કિંમતનો વિસ્ફોટક સામાન જોઇએ ત્યાર બાદ અંદર ધડાકા કરવા માટે અલગ વિસ્ફોટ જોઇએ. નિયમ અનુસાર ટ્રેનર દ્વારા જ ધડાકા કરવાના હોય છે. તેના માટે  ટ્રેનિંગ લીધેલા બે વ્યકિત પણ છે. પરંતુ ખાણમાં તો બીન અનુભવી લોકો પણ ધડાકા કરે છે. થાનમાં બે વ્યકિતને આવો સામાન વેચવાનો પરવાનો છે. જયારે મૂળીમાં તો કોઇને પરવાનો જ નથી છતા આટલી સામાન કયાંથી આવે છે. આ તમામ સામાન થાન અને વાંકાનેરથી સપ્લાય થતો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

ખાસ કરીને થાન અને મૂળી પંથકમાં તંત્ર દ્વારા અનીજ ચોરીના દ્યણા ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ ખનીજ કાઢવા માટે જે વિસ્ફોટક સામાન વપરાય છે તેના કેસ કેમ નથી કરવામાં આવતા તે તપાસનો વિષય બની ગયો છે. મૂળીમાં એક વર્ષમાં માત્ર ચાર જ કેસ વિસ્ફોટકના નોંધાયા છે. આથી ખેડૂતને તેના ખેતરમાં કુવો કરવા માટે જો ધડાકા કરવાના થાય તો તેને પરવાનો લેવા કચેરીના ધકકા ખાવા પડે છે. જયારે અહીંયા ધડાકા કરનારને કોઇને પણ પરવાનગી લેવાની રહેતી નથી તેવા સૂર ઉઠ્યા છે.

આ વિસ્ફોટની તીવ્રતા ખુબ જ હોય છે. એક ધડાકો કરવામાં આવે તો તેનો અંદાજે ૩ કિમી સુધી અવાજ સંભળાતો હોય છે. અને ૬૦૦ ફૂટ દૂર સુધી પથ્થરો ફેંકાય છે. અને આથી જ રહેણાક વિસ્તરની નજીક ધડાકા કરવામાં આવે તો મકાનોમાં ધ્રુજારીને સાથે કયારેક તો નળીયા કે પથ્થર પણ તુટી જવાના બનાવો બને છે. ઉપરાંત અવાજનું પ્રદૂષણ પણ વધતું જાય છે.

ગામડાઓમાં આ ધડાકાઓને કારણે ખુબ જ મોટુ નુકસાન થઇ રહ્યુ છે. ધડાકાથી સતત ધ્રુજતી ધરાથી ભુકંપ જેવી સ્થીતી સર્જાય છે. અને આથી જ દ્યણા મકાનોમાં તો તીરાડો પડવાની પણ ફરિયાદો આવી રહી છે. આ બાબતે ગ્રામજનોએ અગાઉ અનેક વાર રજૂઆતો કરી છે. પણ હજુ સુધી કાર્યવાહી થઇ નથી. આથી સ્થાનિક લોકોમાં  મિલીભગત હોવાનું ચર્ચાય છે.

(1:43 pm IST)