સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

પત્‍નિ-સાળીની હત્‍યા કરીને ભુજના ફૌજીનો આપઘાત

બિહારનાં પટણા નજીક દોડતી કારમાં જ પોઇન્‍ટ બ્‍લેન્‍ક રેન્‍જથી ધડાધડ ફાયરીંગ

ભુજ તા. ૩ :  ભુજમાં ફરજ બજાવતા ફૌજી વિષ્‍ણુ શર્માએ બિહારના સૈદાબાદ ગામ પાસે ચાલતી કારમાં પહેલા તેની સાળી ડીમ્‍પલ ઉર્ફે ખુશ્‍બુ શર્મા (ઉ.ર૪) ને લાયસન્‍સવાળી પિસ્‍તોલથી ગોળી મારી હતી. ત્‍યારબાદ તેની પત્‍ની દામિની શર્મા (ઉ.૩૩) ને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કાર ચલાવતા ફૌજીના કાકાઇ સસરા મિથિલેશ ઠાકુરે તેનો વિરોધ કરીને પિસ્‍તોલ ઝૂંટવી લેવા પ્રયાસ કરતા ફૌજીએ તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેના કાકાજી આ ફૌજીના મોટા પુત્ર વિવેકને લઇને કારની બહાર નીકળવામાં સફળ રહ્યા હતાં. અને બુમાબુમ કરી હતી. તેમણે ફૌજી વિષ્‍ણુ શર્માના નાના દિકરા વિરાટને પણ કારમાંથી બહાર કાઢયો હતો. જો કે, ત્‍યાં સુધીમાં ફૌજીએ પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

આ આર્મી જવાન વિષ્‍ણુ શર્માના લગ્ન ર૦૧ર માં ગયા હતાં. ગત ર૦ મી નવેમ્‍બરના બે ભુજથી તેના વતન બિહારમાં ગયો હતો અને રર મીએ તેની સાળીના લગ્ન હતાં. સાળીના લગ્ન પ્રસંગ બાદ તેને ડેન્‍ગ્‍યુ થયો હતો. અને રવિવારે આ બનાવ બન્‍યો હતો. બનાવ બન્‍યો ત્‍યારે કાર તેના કાકાજી હંકારી રહ્યા હતાં. અને વિષ્‍ણુના બે પુત્ર વિરાટ (ઉ.૭) અને વૈભવ (ઉ.૬) આગલી સીટ પર બેઠા હતા, જયારે પાછળની સીટ પર વિષ્‍ણુ તેના પત્‍નીએ અને સાળી બેઠા હતાં. તેના પરિવારજનોએ જણાવ્‍યું કે ડેન્‍ગ્‍યુના લીધે તેનો સ્‍વભાવ ચીડચીડિયો થઇ ગયો હતો. વિષ્‍ણુ શર્મા પોતાના કાકાજી સાથે પોતાની સારવાર કરાવવા પટણા જઇ રહ્યો હતો ત્‍યારે કોઇ બાબતે જગડો થતા તેણે આ પગલું ભરી લીધું હતું. ધડાધડ ચાર રાઉન્‍ડ ફાયરીંગ  ના અવાજ આવતા આસપાસના ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા અને ત્રણેયને હોસ્‍પિટલ ખસેડયા હતા પરંતુ ત્રણેયના મૃતદેહ જ હોસ્‍પિટલ પહોંચ્‍યા હતાં...

ફૌજી તેના સસુરાલમાં સાળીના લગ્ન  પ્રસંગે ગયો હતો, ત્‍યાં વધુ દિવસ રોકાતા મચ્‍છરોને કારણે તેને ડેન્‍ગ્‍યુ થયો હતો. તેનું  માનવું હતું કે સસુરાલમાં વધુ સમય ન રોકાયો હોત તો ડેન્‍ગ્‍યુ ન થયો હોત! આ બાબતે ઘરમાં તેની પત્‍ની સાથે તેની બબાલ પણ થઇ હતી અને સાળીએ પત્‍નીનો પક્ષ લેતા તેણે બંનેને ગોળીઓથી વીંધી દીધી હતી. ઘટના બાબતે ફૌજીના સાઢુ પવને હત્‍યાનો ગુનો નોંધાવ્‍યો છે.

(11:29 am IST)