સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

ભાદર-ર ડેમ બનાવવા સંપાદન થયેલ જમીન અંગે ધોરાજીના ખેડુતોને મળેલ ન્યાય

જે ખેડુતોની જમીન સંપાદન થયેલ છે તેઓને વળતર મળશે

ધોરાજી, તા., રઃ સરકાર દ્વારા ભાદર-રનો ડેમ બનાવવા માટે ધોરાજી તથા ધોરાજી તાલુકાના ભુખી તથા તરવડા ગામની જમીનો, જમીન સમ્પાદન કાયદાની જોગવાઇ મુજબ જમીન સમ્પાદન અધિકારી રાજકોટ દ્વારા સમ્પાદન કરવામાં આવેલ જેની સામે ખેડુતોએ કાયદા મુજબ મળતુ મહતમ વળતર આપવા માંગણીઓ કરેલ જે વળતર મળવાના કેસો ર૦૦૩ની સાલમાં તથા ત્યાર બાદ સમયાનુસાર દાખલ કરવામાં આવેલ જેના ચુકાદાઓ ર૦૧૯માં ધોરાજી કોર્ટ સિવિલ જજ (સી.ડી.) સાહેબ દ્વારા જાન્યુઆરી માસની આસપાસ આપવામાં આવેલ હતા. પરંતુસરકાર દ્વારા કોર્ટના હુકમનું પાલન ન થતા ખેડુતોએ કોર્ટના હુકમ મુજબની રકમ વસુલવા જુદા જુદા દરખાસ્ત કેસો દાખલ કરેલ.

કોર્ટના હુકમ મુજબની ખેડુતોની લેણી રકમ સરકાર દ્વારા ભરપાઇ ન થતા વોરંટ કાઢવાના હુકમો કરેલ. જે વોરંટને આધારે ખેડુતોએ સબ રજીસ્ટ્રાર કચેરી ધોરાજી (ર) પેટા તિજોરી કચેરી ધોરાજી (૩) નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીની જપ્તી તા.૧૮-૧૧-૧૯ના રોજ કરવામાં આવતા આ કચેરીના કામ કાજ આજ દિન સુધી બંધ રહેલ છે. જેના પરીણામે પબ્લીકના દસ્તાવેજ નોંધણી લોન વિગેરેના કામો ઠપ્પ થઇ ગયેલ તેમજ ટ્રેજરી કચેરી દ્વારા થતા પગારો, પેન્શન વિગેરેના કામો અટકી પડેલ હતા તેમજ સિંચાઇ વિભાગમાં લોકોના કામો અટકી ગયેલ હતા. ૧ર દિવસથી આ કફોડી પરિસ્થિતિ હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું ન હતું.

આખરે તા.ર૮-૧૧-૧૯ના રોજ ખેડુતોના વકીલશ્રી જી.એમ.ઠેસીયાએ કોર્ટમાં નાયબ કલેકટર ધોરાજી તથા કાર્યપાલક ઇજનેર ધોરાજીને જેલમાં બેસાડવા અરજીઓ આપેલ. તેમજ ખેડુતોના હક્કના નાણા સરકાર ભરતી ન હોઇ ચીફ સેક્રેટરી ગુજરાત રાજય તથા એડી. ચીફ સેક્રેટરી ગુજરાત રાજયને સરકાર પાસે કેટલા પૈસા છે તે સોગંદ ઉપર જાહેર કરવા અરજીઓ કરેલ. જે અરજી કોર્ટ સમક્ષ તા.૩૦-૧૧-૧૯ના સાંભળવા ઉપર હતી આખરે સરકાર નીચે કોર્ટના હુકમો સામે રેલો આવતા કાર્યપાલક ઇજનેર  દ્વારા સોગંદનામુ કરી ખેડુતોના કોર્ટના હુકમ મુજબની રકમો તા.૧ર-૧ર-૧૯ સુધીમાં ભરવાની બાહેધરી આપતા આખરે ન્યાયનો વિજય થયો હતો અને ખેડુતોને તેના હક્કની રકમ મળી જાય તેમ હોઇ હર્ષની લાગણી ફેલાઇ હતી અને વરસો બાદ જમીન વિહોણા તથા લાચાર થયેલ ખેડુતોને તેની જમીનની વળતરની રકમ મળશે. આ દ્રષ્ટાંત એ વાતની પ્રતીતી કરાવે છે કે સરકાર જે જાહેર જનતાના  તથા ખેડુતોના હિતની વાતો કરે છે પરંતુ સમય આવ્યે તેનું પાલન સમયસર  કરતી નથી. ખેડુતો તરફથી જી.એમ.ઠેસીયા વકીલ તરીકે રોકાયેલ હતા. તેમજ તે વાતની પણ પ્રતીતી કરાવે છે કે ન્યાયતંત્રની ગરીમા બરકરાર છે. છેલ્લો વિસામો કોર્ટ આપે છે.

(11:14 am IST)