સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd November 2021

ચોરવાડ પોલીસ ટીમ જૂનાગઢ જેલ ખાતે કબ્જો લેવા આવતા આરોપીએ પોલીસને ગાળો દઈ મારી નાખવાની ધમકી આપી

જીપમાં બેસાડયો ત્યારે પણ પોલીસકમીઓ સાથે ગાળો આપી હું જોઈ લઈશ તેવી ધમકી આપી : ફરજમાં રૂકાવટનો ગુન્હો દાખલ

જૂનાગઢ જીલ્‍લાના ચોરવાડ પોલીસ સ્ટેશનના એક દારૂના ગુનામાં આજે ચોરવાડ પોલીસની ટીમ જૂનાગઢ જેલ ખાતે કબ્જો લેવા આવતા આરોપીએ પોલીસકર્મીઓને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.આ અંગે ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા લખન મેરૂ ચાવડા સામે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયેલ હતો.

અને તે હાલ જૂનાગઢ જેલમાં હોવાથી ચોરવાડ પોલીસ માળીયા હાટીના કોર્ટમાંથી હુકમ મેળવી તેની દારૂના ગુનામાં અટક કરવા માટે ગઈકાલે જૂનાગઢ જેલ ખાતે પહોંચી હતી.

ત્યારે પોલીસ કર્મીઓ જેલની અંદર ગેટ પાસે હતા ત્યારે આરોપી લખન મેરૂ ચાવડા ત્યા આવતા તેનો કબ્જો મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.તે સમયે આરોપી લખનએ ચોરવાડના પોલીસકર્મીઓને ગાળો આપીને મારા વિરુદ્ધ કેમ ખોટા ગુના દાખલ કર્યા છે. તેમ કહી મારા પાસે ઘણા માણસો છે. તેમની પાસે મરાવી નાખીશ તેવો લવારો કરીને પોલીસની નફરજમાં રૂકાવટ કરી હતી. બાદમાં જીપમાં બેસાડયો ત્યારે પણ પોલીસકમીઓ સાથે ગાળો આપી હું જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. આ અંગે ચોરવાડ પોલીસના એએસઆઈ દિલીપભાઇ કાગડાએ આરોપી લખન મેરૂ ચાવડા સામે ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:19 am IST)