સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd October 2019

પોરબંદરમાં જન્મેલા ગાંધીએ જીવનમાં ગીતાના સૂત્રો કઇ રીતે ઉતારવા તે સિધ્ધ કરી બતાવેલઃ પૂ.ભાઇશ્રી

સાંદીપની ખાતે ૩૮માં નવરાત્રી અનુષ્ઠાન સાથે ગાંધી ચિંતન યાત્રા

જુનાગઢ તા. ૩ :.. પોરબંદર સાંદીપની વિદ્યા નિકેતનમાં પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના ચાલી રહેલાં ૩૮ મા નવરાત્રી અનુષ્ઠાનના ત્રીજા દિવસે ગાંધી ચિંતન યાત્રાના બપોરનાં સત્રમાં પત્રકાર અને આયુષ્યના ૧૦૦ વર્ષ પુરા કરનાર પદ્મશ્રી નગીનદાસ સંઘવીએ ગાંધીજીના વ્યકિતત્વના પાસા પાડેલા હીરા જેવા વ્યકિતત્વનું રસાળ શૈલીમાં રસદર્શન કરાવ્યું હતું. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ ભાગવત ધર્મ અને બાપુ એ વિષય પર ભાગવતના આધારે મહાત્મા ગાંધીજીના જીવનની માર્મિક ચર્ચા કરી હતી.

પૂજય ભાઇશ્રીએ તેમના પ્રવચનના વૃંદાવન નિવાસી મોહને ગીતાનું જ્ઞાન આપ્યું  પોરબંદરમં જન્મેલા ગાંધીએ તેમના સમગ્ર જીવનમાં ગીતાના આ સુત્રોને જીવનમાં કઇ રીતે ઉતારાય તે સિધ્ધ કરી બતાવ્યું છે.

ગાંધીજીનું સમગ્ર જીવન એક પ્રયોગશાળા સમું હતું. તેમણે પોતાની રીતે ઊંડો અભ્યાસ કર્યા પછી જીવનમાં પ્રયોગો કર્યા અને ઉપવાસના સાધનનો રાજકીય ચળવળમાં તેનો જે ઉપયોગ કર્યો એના મુળમાં વ્રતની પરંપરા રહેલી હતી. ગાંધીજીના માતુશ્રી પૂતળીબાઇએ તેમનું જીવન વ્રત પ્રધાન બનાવ્યું હતું તેથી ગાંધીજીને વ્રતનો અભ્યાસ માતામાંથી મળ્યો છે અને તેમના અગીયાર મહાવ્રતોને અપનાવવા અને તેથી તેમના આંતરિક પીંડને ઘડયો તેમ તેમ તેમનો સંયમનો અભ્યાસ રૂઢ થતો ગયો આવા પ્રયોગોમાંનો એક પ્રયોગ આહાર-વિષયક પણ હતો.

ગાંધીજીનું વ્યકિતત્વ ઉપરથી દેખાતા અને અંદરથી કોમળ એવા નાળિયેર જેવું હતું. ગાંધીજી અને કસ્તુરબાના કેટલાક પ્રસંગો ભાઇશ્રીએ શ્રોતાઓ સમક્ષ વર્ણવ્યા હતાં.

ગાંધી ચિંતન યાત્રામાં નગીનદાસ સંઘવીએ જણાવેલ કે ગાંધીજી અને સામાજિક અભિગમે એવા વિષયની તલસ્પર્શી અને રસાળ શૈલીમાં સમિક્ષા કરતા કહયું હતું કે, ગાંધીજી હંમેશા કહેતા કે હું સનાતન હિન્દુ છું ભાગવત ધર્મી છું ગાંધીજી વૈષ્ણવ સંપ્રદાયની દેણ છે. આ વૈષ્ણવ સમ્પ્રદાયે બે મોટા ફેરફારો કર્યા શ્રીકૃષ્ણ તેમના મુખ્ય પ્રયોજક છે. કૃષ્ણે સ્ત્રીઓ શુધ્ધો અને દલિતોને ગીતા દ્વારા સમાન અધિકારની વાત કરી. તો એ જ સમ્પ્રદાયમાં રામાનુજાચાર્યે દલિતોને ગાંધીજીની પહેલા મંદિર પ્રવેશની વત કરી હતી.

ગાંધીજીના વ્યકિતત્વને હિમાલય જેવું ગણાવીને કહયું હતું કે તેની યાત્રાએ જવુ કે દર્શન કરાય પણ ત્યાં રહેવું બહુ કઠિન બને તેવી જ રીતે ગાંધીજીની સાથે રહેવું અને તેના અંતેવાસી બનવું બહુ અધરૂ હતું. કેમ કે તેઓ નાની-મોટી વાતોમાં પૂર્ણત્વનો આગ્રહ રાખતા હતાં. તેમણે કસ્તુરબાના અને મહાદેવભાઇ દેસાઇ સહિતના અંતેવાસીઓ પાસે ગાંધીજી કેવા પૂણત્વનો આગ્રહ રાખતા હતા તેના પ્રસંગો વર્ણવ્યા હતાં.ગાંધીજીના શરીરનું વજન માત્ર ૪પ કિ. ગ્રા.નું હોવા છતાં એક ગાંધીમાં અનેક ગાંધી સમાયેલા હોવાથી ગાંધીજીને જેટલું વાંચીએ એટલું એમને ઓળખવું અધરૂ થતુ જાય છે એ વિશે ચર્ચા કરીને કહયું હતું કે એક ગાંધીમાં પત્રકાર, શિક્ષણ શાસ્ત્રી, વકીલ, ઇશ્વરના આરાધક અને પ્રખર દેશભકિત જેવા અનેક ગુણોનો સરવાળો જોવા મળે છે અને તેઓ તો નમ્રતાનો મહાસાગર છે.

(12:03 pm IST)