સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd October 2018

ભેંસાણના મેંદપરામાં દલિત યુવક ઉપર કારખાનેદારનો અત્યાચાર : માર મારી રસ્તે જાનવરની જેમ ચલાવ્યો

દલિત ઉપર અત્યાચારનો વધુ એક મામલો સામે આવ્યો : છેડતીનો આરોપ મૂકી દલિતને ઢોર માર માર્યો : વીડિયો વાયરલ : એટ્રોસીટીની ફરિયાદ

જૂનાગઢ તા. ૩ : રાજયમાં દલિતો પર અત્યાચારનો વધુ એક મામલો સામે આવ્યો છે. આ વખતે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે એક દલિત યુવક પર કારખાનેદારે અત્યાચાર કર્યો છે. દલિત યુવકને માર મારીને તેના રસ્તા પર જાનવરની જેમ ચાલવા મજબૂર કરવામાં આવ્યો હતો. આ મામલે કારખાનેદાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે રીક્ષા ચલાવતા દલિત યુવક મુકેશ રાઠોડને કારખાનેદારે કારખાનામાં કામ કરતી યુવતીની છેડતી કર્યાનો આરોપ લગાવી માર માર્યો હતો.

બાદમાં તેને ગામના રસ્તા પર પશુની જેમ ચાર પગે ચાલવા મજબૂર કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કારખાનાના માલિક કૌશિક પટેલ અને તરુણ પટેલ વિરુદ્ઘ એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે.

ફરિયાદ પ્રમાણે સાબલપુર ચોકડી પાસે આવેલા કારખાનાના માલિક કૌશિક અને તરુણ પટેલે માર મારવાની સાથે સાથે મુકેશ રાઠોડને તેની જાતિને લઈને અપશબ્દો કહ્યા હતા. દલિત યુવકને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે ડીવાએસપી રાણાએ તપાસ શરૂ કરી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે દલિત યુવક મુકેશ ચાર પગલે રસ્તા પર ચાલી રહ્યો છે. આ દરમિયાન કારખાનેદાર દ્વારા તેને લાતો પણ મારવામાં આવી રહી છે. તેની બાજુમાં ચાલી રહેલા લોકોના હાથમાં લાકડીનો દંડો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અમુક મહિલાઓ અને પુરુષો એવું કહી રહ્યા છે કે આ યુવક છેલ્લા ઘણા સમયથી એક દલિત યુવકની છેડતી કરી રહ્યો હતો. વીડિયોમાં કેટલિક મહિલાઓ યુવકને વધારે નહીં મારવાની પણ વિનંતી કરી રહી છે.

હા...આવો બનાવ બન્યો છે... પોલીસે ર મહિલા સહિત પ ની ધરપકડ કરી છેઃએસ.પી.સૌરભસિંઘ

રાજકોટ તા. ૩ :.. જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના મેંદપરા ગામમાં દલિત યુવક ઉપર અત્યાચાર થયાનું જુનાગઢ એસ.પી. સૌરભસિંઘે જણાવ્યું હતું.

એસ. પી. સૌરભસિંઘે 'અકિલા'ને જણાવ્યું હતું કે, સોમવારે સાંજની આ ઘટના છે. જયાં એક કારખાનામાં છેલ્લા થોડા દિવસોથી મહિલાઓ કામ ઉપર આવતી ન હતી. જેથી કારખાનાના માલીકે આ અંગે મહિલાઓને પુછતા તેઓની એક દલિત યુવક છેડતી કરી રહયો હોવાનું જણાવ્યુ હતું.

ત્યારબાદ આ યુવકને પણ મહિલાઓની હાજરીમાં કારખાને બોલાવતા વાતાવરણ ઉગ્ર થયુ હતુ અને મહિલાઓએ આ દલિત યુવકને માર માર્યો હતો.

સારવારમાં રહેલા દલિત યુવકે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા ર મહિલા, ૩ પુરૂષો સહિત પ ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(3:36 pm IST)