સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

હોસ્પિ.માં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવા છતા મૃતદેહને રખાયો

સૌરાષ્ટ્રમાં માનવતા મરી પરવારી! : ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો, હોસ્પિટલ તો નિષ્ક્રીય છે પરંતુ તેનો સ્ટાફ પણ ખુબ નિષ્ક્રીય બન્યો છે

 

સુરેન્દ્રનગર, તા. : જિલ્લામાં તંત્રની વધારે એક ઘોર બેદરકારી સામે આવી છે. જિલ્લાની ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવા છતા એક બિનવારસી મૃતદેહને રખાયો હતો. જેના કારણે મૃતદેહમાં જીવાત પડી ગઇ હતી જેના કારણે વિવાદ પેદા થયો છે. બિનવારસી મૃતદેહની અંતિમવિધિ કરનારા લોકોએ હોબાળો કર્યો હતો. તેમણે કહ્યું કે, કોણ માણસની અંદર જીવાત પડી જાય ત્યાં સુધી શા માટે રાખવામાં આવે છે. કોલ્ડ સ્ટોરેજ નથી તો મૃતદેહ અન્યત્ર વ્યવસ્થા કરો નહી તો કોલ્ડ સ્ટોરેજ સાચવી રાખવાની વ્યવસ્થા કરો. સુરેન્દ્રનગરની ડોક્ટર અને સુવિધા વગરની હોસ્પિટલ રીફર હોસ્પિટલ તરીકે પણ પ્રખ્યાત છે. અહીં કોઇ પણ દર્દી દાખલ થાય તત્કાલ તેને રિફર કરવામાં આવે છે. જો કે ઘટનાથી સ્થાનિકોમાં પણ રોષ ફાટી નિકળ્યો છે. હોસ્પિટલ તો નિષ્ક્રીય છે પરંતુ હવે તેનો સ્ટાફ પણ ખુબ નિષ્ક્રીય બન્યો છે. કર્મચારીઓ પણ બેદરકાર અને અસંવેદનશીલ બન્યા છે. સુરેન્દ્રનગરની રાજા રાયસિંહ સિવિલ હોસ્પિટલ બેદરકારીનો અખાડો બની ચુકી છે. જ્યાં માણસને માણસ નથી સમજવામાં આવતો. જો કે હવે હોબાળો થતા તંત્ર દોડતું થયું છે. અધિકારીઓ સફાળા બેઠા થયા છે. હવે સ્પષ્ટતા આપવા માટે ફરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, ધ્રાગધ્રાની સરકારી હોસ્પિટલમાં ચાર દિવસ પહેલા બીન વારસી પુરૂષનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. પરંતુ તંત્ર ચાર દિવસ સુધી પોસ્ટમોર્ટમ રૂમમાં પડેલ ડેડબોડીને ભુલી ગયા. ચાર દિવસ બાદ જ્યારે અસહ્ય દુર્ગંધ આવતા તંત્રને મૃતદેહ યાદ આવ્યો હતો. તંત્ર બીનવારસી મૃતદેહનો અંતિમસંસ્કાર કરતા સેવાભાવીઓને બોલાવતા મૃતદેહમાં અસંખ્ય જીવાતો પડી ગયાલ અને ડેડબોડી ડી કમ્પોઝ થયેલ જોવા મળી હતી. સેવાભાવી લોકોએ પણ મૃતદેહ જોઇ અને તંત્ર સામે ફીટકાર વરસાવી રહ્યા છે. હવે તંત્ર ચાર દિવસ સુધી મૃતદેહ મુકી રાખી કોઇ દરકાર લેનાર પર પગલા કેવા લે છે તે જોવુ રહ્યુ.

(9:48 pm IST)